Western Times News

Gujarati News

અમદાવાદઃ શહેરની દિવાલો પર ગીતાજીના શ્લોકોનું ચિત્રણ થશે

રીવરફ્રન્ટ પેડેસ્ટ્રીયન બ્રીજને અટલજીના નામ સાથે જાેડવામાં આવશેઃ હિતેશભાઈ બારોટ 

“આત્મનિર્ભર ભારત” ના દાવા કરતા ભાજપાએ સેટેલાઈટ મેપિંગનું કામ ઈસરોના બદલે સિંગાપોરની કંપનીને આપ્યુઃ દિનેશ શર્મા

(દેવેન્દ્ર શાહ દ્વારા ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિને યાદગાર બનાવવા તમામ પ્રયાસ કરવામાં આવી રહયા છે. શહેરની મુખ્ય દિવાલો પર ગીતાજીના શ્લોક લખવામાં આવશે. જયારે એમિક્રોનની દહેશત વચ્ચે જાન્યુઆરી મહીનામાં ફલાવર- શો ના આયોજન માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમજ રીવરફ્રન્ટ ખાતે બની રહેલ પેડલ બ્રીજને અટલજીના નામ સાથે જાેડવામાં આવશે. મ્યુનિ. કોંગ્રેસ પક્ષે કેટલાક મુદ્દાઓ મામલે વિરોધ વ્યકત કર્યો હતો.

શહેર મેયર કીરીટભાઈ પરમાર અને સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હિતેશભાઈ બારોટના જણાવ્યા મુજબ આગામી રપ ડીસેમ્બરે પૂર્વ વડાપ્રધાન અટલજીની જન્મ જયંતિ છે. ર૦૦૮ની સાલ કાંકરીયા કાર્નીવલની શરૂઆતથી અટલજીની જન્મજયંતિની ઉજવણી શરૂ થાય છે પરંતુ કોરોનાના કારણે કાર્નીવલનું આયોજન કરવામાં આવ્યુ નથી તેથી શહેરના સાત ઝોનની દિવાલો પર પૂર્વ વડાપ્રધાનની જીવન ઝરમર દર્શાવતા ચિત્રો દોરવામાં આવશે.

મ્યુનિ. શાળાના ૪૦૦ જેટલા શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા દિવાલ ચિત્ર તૈયાર કરવામાં આવશે. તદ્દપરાંત ધાર્મિક ગ્રંથ ગીતાજીના શ્લોક પણ દિવાલો પર લખવામાં આવશે. અટલજીની જન્મ જયંતિને વધુ યાદગાર બનાવવા માટે વટવા ખાતે રૂા.૧.ર૯ કરોડના ખર્ચથી તૈયાર થયેલ રામોલ- હાથીજણ પબ્લીક સ્કુલનું લોકાર્પણ કરવામાં આવશે. જયારે વસ્ત્રાલ વોર્ડમાં રૂા.૬.૪પ કરોડના ખર્ચથી બનાવવામાં આવેલા સ્વીમીંગ પુલનું લોકાર્પણ અને ચાંદખેડામાં રૂા.પ૩.૪૭ લાખના ખર્ચથી તૈયાર થનાર સીનીયર સીટીઝન્સ પાર્કનું ખાતમુર્હુત કરવામાં આવશે.

ભાગવદ્‌ ગીતાનો ઉદ્દેશ મનુષ્ય જાતિને ભૌતિક અસ્તિત્વમાં અજ્ઞાનમાંથી મુકત કરવાનો છે. જેવી રીતે અર્જુન કુરુક્ષેત્રનું યુદ્ધ કરવા વિષે મુશ્કેલીમાં હતો, તેવી રીતે દરેક મનુષ્ય આજના યુગમાં અનેક પ્રકારે મુશ્કેલીમાં હોય છે. અર્જૂને શ્રીકૃષ્ણનું શરણ લીધું અને પરિણામે શ્રી કૃષ્ણ ભગવાને તેઓને જે માર્ગદર્શન આપ્યું તેને ભાગવદ્‌ ગીતા કહેવામાં આવી. માત્ર અર્જુન જ નહીં, પરંતુ આપણામાંથી પ્રત્યેક વ્યક્તિ આ ભૌતિક અસ્તિત્વને કારણે ચિંતાઓથી ગ્રસ્ત હોય છે.

મનુષ્ય જયારે જીવનના વાસ્તવિક ઉદ્દેશને ભૂલી જાય છે. ત્યારે ભગવાન કૃષ્ણ તે ઉદ્દેશની પુનઃ સ્થાપના કરવા માટે અવતરે છે. ત્યારે પણ અનેકાનેક જાગૃત મનુષ્યોમાં એકાદ જ એવો હોય છે. જે વાસ્તવમાં પોતાની સ્થિતિને જાણે છે અને આવા મનુષ્ય માટે જ આ ભાગવદ્‌ ગીતા કહેવામાં આવી છે. હકીકતમાં અવિદ્યારૂપી વાઘ આપણા બધાનો પીછો કરી રહેલો છે, પરંતુ ભગવાન જીવો ઉપર, ખાસ કરીને મનુષ્યો ઉપર અત્યંત દયાળુ છે. આજ હેતુથી તેમણે તેમના મિત્ર અર્જુનને પોતાનો વિદ્યાર્થી બનાવીને ભાગવદ્‌ ગીતા કહી હતી.

આજના સમાજમાં પણ ભાગવદ્‌ ગીતાના ઉદ્દેશથી પરિચિત થઈ પોતાનું જીવન કોઈપણ પ્રકારના ભય રાગ-દ્વેષ વગર હિંમતપૂર્વક વિતાવી શકે તે હેતુથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા આ સાથેની બિડાણ યાદી મુજબના અમદાવાદ શહેરના વિવિધ ૧૦૦ સ્થળો અને મ્યુનિ. શાળાઓ ઉપર ભાગવદ્‌ ગીતાના જુદા જુદા શ્લોક ભાવાર્થ સાથે લખવામાં આવેલ છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રીવરફ્રન્ટ ફલાવર ગાર્ડનમાં જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી ૧પ દિવસ માટે ફલાવર- શો નું આયોજન કરવામાં આવશે. ઓમિક્રોનની દહેશત હોવાથી ફલાવર-શો માટે માત્ર ઓનલાઈન ટિકિટ બુકીંગ થશે તેમજ દર કલાકે માત્ર ર૦૦ વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવશે. ફલાવર શો ની ટિકિટના દર હજી નકકી કરવામાં આવ્યા નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ “ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેકટ” માટે રૂા.ર૩પ કરોડના કામોને સ્ટેન્ડીંગ કમીટી દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા મંજુર કરવામાં આવેલ રકમમાંથી ચંદ્રભાગા વહેળો ડેવલપમેન્ટનું કામ થશે. તેમજ હયાત ગ્રાઉન્ડ લેવલ મુખ્ય રસ્તાઓના લેવલથી નીચુ હોવાથી મેઈન રોડ લેવલ કરવા માટે ફીલીંગની કામગીરી કરવામાં આવશે. સાબરમતી રીવરફ્રન્ટ ખાતે તૈયાર થઈ રહેલ પેડલ બ્રીજને “અટલ બ્રીજ” નામ આપવા માટે સ્ટેન્ડીંગ કમીટીમાં ઠરાવ કરવામાં આવ્યો છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

મ્યુનિ. કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા દિનેશ શર્માએ રીવરફ્રન્ટ આઈકોનીક પેડેસ્ટ્રીયન બ્રીજને દેશના પ્રથમ સીડીએસ સ્વ. બીપીન રાવત ના નામ સાથે જાેડવા માટે માંગણી કરી હતી. પૂર્વ નેતાએ સ્ટેન્ડીંગ કમીટી દ્વારા મંજુર કરવામાં આવેલા સેટેલાઈટ મેપિંગના કામ અંગે પણ વિરોધ વ્યકત કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ મ્યુનિ. શાસકો સદ્‌ર કામ સિંગાપોરની કંપનીને આપી રહયા છે.

દેશની ઈસરો કંપનીએ સેટેલાઈટ મેપિંગ માટે તૈયારી દર્શાવી હતી તેમ છતાં “આત્મ નિર્ભર ભારત”ની વાતો કરતા ભાજપના શાસકોએ કોઈપણ ટેન્ડર પ્રક્રિયા વિના બારોબાર સિંગાપોરની કંપનીને સેટેલાઈટ મેપિંગનું કામ સોપ્યુ છે તે બાબત અત્યંત શરમજનક છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.