Western Times News

Gujarati News

રાજ્યમાં અન્ન અને પૂરવઠા વિભાગ બનાવશે રાશન એપ

ગાંધીનગર, ગુજરાત સરકાર રેશનિંગની દુકાનોએથી અનાજ અને આવશ્યક ચીજવસ્તુઓ મેળવતા ગરીબ પરિવારોને ફાયદો થાય તેવી એક રાશન એપ્લિકેશન બનાવવા જઇ રહી છે. આ એપ્લિકેશનની મદદથી ભૂતિયા કાર્ડ પર રાશન લેતાં વચેટીયા દૂર થશે અને ગરીબોના નામે લીધેલું સસ્તુ અનાજ નફાખોરીથી બજારમાં જતું અટકાવી શકાશે.

રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે જે ગરીબ પરિવારોએ અનાજ લીધું ન હોય અને તેમના નામે ખુલ્લા બજારમાં વેચી દેવામાં આવે છે તેવી પ્રવૃત્તિ આ એપ્લિકેશનથી બંધ થશે. પ્રત્યેક રાશનકાર્ડ ધારકનો ડેટા આ એપ્લિકેશનમાં ફીડ કરવામાં આવ્યો હશે. ખુદ ગ્રાહક તેની એપ્લિકેશનમાં જાેઇ શકશે અને તેમના નામે બીજા કોઇએ અનાજ કે કરિયાણું લીધું હશે તો તે પકડી શકાશે.

ઘણી વખત અનાજની ગુણવત્તા બાબતે પ્રશ્ન ઉભા થાય છે. હવે ગ્રાહક એપ્લિકેશનની મદદથી સીધી ફરિયાદ પણ કરી શકશે. એટલું જ નહીં દુકાનદારોના વ્યવહાર અને વિતરણ વ્યવસ્થા અંગે રેટીંગ પણ આપી શકશે. આ એપ્લિકેશનનું લોન્ચિંગ ૨૪મી ડિસેમ્બરે થાય તેવી સંભાવના છે.

ગુજરાતમાં ૧૭૦૨૪ કરતાં વધુ સસ્તા અનાજની દુકાનો આવેલી છે. આ સંચાલકોની વર્ષોથી એવી માગણી રહી છે કે તેમનું કમિશન વધારવામાં આવે. હવે સરકારે આ સંચાલકોના કમિશન વધારવાનો પણ ર્નિણય લીધો છે. અત્યાર સુધી એક ક્વિન્ટલ અનાજમાં ૧૦૮ રૂપિયા કમિશન આપવામાં આવતું હતું જે વધારીને ૧૫૦ રૂપિયા કરવાનો સરકારનો ઇરાદો છે.

આગામી જાન્યુઆરી ૨૦૨૨થી સસ્તા અનાજની દુકાનોના સંચાલકોને કમિશનનો વધારો આપવામાં આવશે. સસ્તા અનાજની દુકાનોએથી અત્યાર સુધી ગરીબ પરિવારોને કપાસિયા અને પામોલીન તેલ આપવામાં આવતું હતું પરંતુ હવે આ પરિવારોને સસ્તુ સિંગતેલ પણ મળશે. રેશનિંગ કાર્ડથી ગરીબ પરિવારો અન્ય ખાદ્યતેલની સાથે સિંગતેલ પણ મેળવી શકશે. આ સાથે રાશનમાં હવે મગ અને ચણાની દાળ પણ આપવામાં આવનાર છે. ટૂંકસમયમાં આ ફેરફારની જાહેરાત થવા સંભવ છે.

ગુજરાતમાં એએવાય યોજના હેઠળ ૮૧૨૭૧૨ પરિવારો છે જેની વસતી ૩૬.૬૦ લાખ છે. બીપીએલ યોજનામાં ૨૫૩૬૧૧૫ પરિવારો છે જેની વસતી ૧.૩૪ કરોડ છે. એપીએલ-૧માં ૩૭૫૧૮૪૦ પરિવારો છે જેની વસતી ૧.૭૩ કરોડ છે જ્યારે એપીએલ-૨માં ૪૨૦૪ પરિવારો છે જેની વસતી ૧૯૦૦૦ છે. આમ કુલ ૭૧૦૪૯૭૧ પરિવારોની ૩.૪૫ કરોડ વસ્તીને રાશનનું અનાજ અને કરિયાણું આપવામાં આવે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.