અમારા પ્રદેશ અધ્યક્ષના ૧૮૨ બેઠક જીતવાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા કામે લાગી ગયો છું’: અલ્પેશ ઠાકોર
અમદાવાદ, રાજ્યમાં વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી નજીક આવતાની સાથે જ પ્રદેશના કદાવર રાજકીય નેતાઓ પદયાત્રા અને સંમેલનોના માધ્યમથી જનસંપર્કનો પ્રારંભ કરી દીધો છે. ગુજરાત ભાજપના ઠાકોર સમાજના કદાવર નેતા અને ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે પણ ઉત્તર ગુજરાતમાં પદયાત્રાનો પ્રારંભ કરી ઠાકોર ક્ષત્રિય સેના અને તેઓએ સ્થાપેલા ઓએસએસ એકતા મંચના માધ્યમથી ઉત્તર ગુજરાતમાં જનસંપર્કનો પ્રારંભ કરી દીધો છે.
અલ્પેશ ઠાકોરે દર મહીને ઉત્તર ગુજરાતમાં એક યાત્રા કરી છેલ્લા બે મહિનાથી પોતાના જનસંપર્કનો પ્રારંભ કરી દીધો છે. અલ્પેશ ઠાકોર દ્વારા આ પદયાત્રાને “આદ્યશક્તિ પદયાત્રા” નામ આપવામાં આવ્યું છે. ૨૬ ડિસેમ્બરના રોજ મરતોલીથી બેચરાજી મંદિર વચ્ચે યોજાનાર યાત્રા આમ તો ધાર્મિક છે પરંતુ તેનું રાજકીય મહત્ત્વ પણ કઈ ઓછું નથી.
વર્ષે ૨૦૨૨ની વિધાસભા ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોર ફરી મેદાને ઉતર્યા છે. ઠાકોર સેના અને ઓએસએસ મંચના માધ્યમથી વર્ષે ૨૦૧૭માં જે રીતે પોતાની શક્તિમાં વધારો કર્યો હતો તે જ રીતે વર્ષે ૨૦૨૨ની ચૂંટણી માટે પોતાની શક્તિ એકત્રિત કરવાનો પ્રારંભ કર્યો છે.
અલ્પેશ ઠાકોરની આ યાત્રા એટલા માટે પણ મહત્ત્વની છે કે કાૅંગ્રેસ જગદીશ ઠાકોરને પ્રદેશ અધ્યક્ષ અને સુખરામ રાઠવાને વિધાનસભા વિપક્ષના નેતા બનાવ્યા બાદ ઓબીસી અને એસ.ટી. વોઠ બેંકને કબજે કરવા વાતવરણ બનાવી રહ્યું છે. ત્યારે અલ્પેશ ઠાકોર પણ કાૅંગ્રેસના આ વાતાવરણ સામે પોતાની શક્તિઓ વધારી તાકાતનો પરિચય આપી રહ્યા છે.
આ અંગે વાત કરતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, આ પદયાત્રાના માધ્યમથી લોકોના પ્રશ્નોને વાચા આપવા અને સંગઠન મજબૂત કરવાનો અમે પ્રારંભ કરી રહ્યા છે. વર્ષે ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં અમારી શક્તિને કોઈ પણ વ્યક્તિ ઓછી આંકી નહીં શકે.
કાૅંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ૧૨૩ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. મારી તેમને શુભેચ્છા છે. અમારા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ૧૮૨ બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જેને પૂરો કરવા હું કામે લાગી ગયો છું. અમારી આ યાત્રા માત્ર કોઈ એક જ્ઞાતિ પૂરતી નથી. આ યાત્રા સર્વ સમાજની સુખાકારી માટેની છે.HS