સિંગતેલ-કપાસિયા તેલના ડબ્બે ૧૫ રૂપિયાનો વધારો
રાજકોટ, ગૃહિણીઓને આજે ફરી એકવખત માઠા સમાચાર મળી રહ્યા છે. રાજકોટ સહિત રાજ્યમાં ખાદ્યતેલના ભાવમાં ફરી એકવખત ભાવ વધારો થયો છે. સિંગતેલ અને કપાસિયા તેલમાં ડબ્બે ૧૫ રૂપિયાનો ભાવ વધારો કરાયો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂપિયા ૨૦૭૫ થયો છે.
જેના કારણે હવે ગૃહિણીઓને સિંગતેલના ડબ્બાનો ભાવ ૨૨૭૫ રૂપિયા થયો છે. ઓપન માર્કેટમાં કપાસનો ભાવ રેકર્ડ બ્રેક રહેતા કપાસિયા તેલના ભાવ ઊંચકાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. મગફળીમાં ડિમાન્ડ રહેતા સિંગતેલના ભાવ પણ વધ્યા છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે ખાદ્યતેલોના ભાવ વ્યાજબી થાય તે માટે વાયદાના વેપાર પર પ્રતિબંધ, આયાત છૂટ સહિતના પગલા લીધા પરંતુ, રાજ્ય સરકારે કેન્દ્રની સૂચના છતાં સ્ટોક લિમિટ મુકીને સંગ્રહખોરી પર નિયંત્રણ મૂક્યો નથી.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડમાં મગફળીનો રેકોર્ડબ્રેક પાક, યાર્ડમાં ધૂમ આવક છતા સિંગતેલમાં બે દિવસમાં રૂ ૩૫નો વધારો ઝીંકાયો છે. તેના પગલે કપાસિયા તેલમાં રૂ ૨૫ અને પામતેલમાં પણ રૂ ૨૦નો વધારો થયો છે. ગુજરાતમાં ત્રણ પ્રકારનું તેલ વધુ ખવાય છે અને તે ત્રણેયના ભાવ વધ્યા છે.
બીજી તરફ યાર્ડમાં કપાસના ભાવ પણ એકંદરે ૧૪૦૦થી ૧૮૦૦ વચ્ચે સ્થિર રહ્યા છે જેમાં સારી ગુણવત્તાના કપાસના ખેડૂતોને મહત્તમ રૂ ૧૯૦૦નો ભાવ મળ્યો હતો.
મગફળીની સાથે કપાસની પણ સારી આવક પહેલેથી થઈ રહી છે. એકતરફ રાજકોટ યાર્ડમાં એક દિવસમાં ૩૧.૩૫ લાખ કિલો મગફળીની આવક થઈ છે. પરંતુ આજે યાર્ડ બંધ રહેશે. યાર્ડનું રોજનું ટર્નઓવર રૂ ૧૨થી ૧૫ કરોડનું સરેરાશ હોય છે, આ એક દિવસમાં આવેલી મગફળીની કિંમત આશરે ૧૬ કરોડ છે! યાર્ડમાં મગફળીના ભાવ ઘણા દિવસોથી પ્રતિ મણના રૂ ૯૦૦થી ૧૧૫૦ વચ્ચે ટકેલા છે. ખેડૂતોને મળતા મગફળીના ભાવ સ્થિર છે.SSS