ધો.૧૦-૧૨નું ખોટું પ્રશ્નપત્ર સોશિયલ મીડિયામાં વાયરલ

અમરેલી, ગુજરાતમાં વધુ એક વખત પેપર કાંડનો મામલો સામે આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાતી પરીક્ષાનું પેપર ફૂટયાના સમાચાર મળી રહ્યા છે. એકમ કસોટી બેનું ધો.૧૦નું સામાજિક વિજ્ઞાનનું ૨૫ માર્કસનું તથા ધોરણ ૧૨નું મનોવિજ્ઞાનનું પ્રશ્નપત્ર સોશિયલ મીડિયામાં ફરતું થવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, પરીક્ષાના આગલા દિવસથી પેપર સોશયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યુ હતુ.
અનુમાન પ્રમાણે સેંકડો વિદ્યાર્થીઓ પાસે આ પરીક્ષાનું પ્રશ્નપત્ર પહોંચ્યું છે. જાેકે, આ અંગે શિક્ષણાધિકારીએ ખુલાસો કર્યો છે કે, આ અંગે ફરિયાદ પણ કરવામાં આવશે. આ પરીક્ષા આજે થાય તે પહેલા જ ગઇકાલથી આ બંને પેપર વાયરલ થયા હતા. જાેકે, આ તપાસનો વિષય છે કે, આ પ્રશ્નપત્રે કોને અને કઇ રીતે ફોડીને વાયરલ કર્યું.
સામાન્ય રીતે બોર્ડ દ્વારા ઇમેઇલ દ્વારા પ્રિન્સિપલને પ્રશ્નપત્ર મોકલવામાં આવે છે. ત્યારે આ અંગે તપાસમાં જ સામે આવશે કે આ પેપર લીક કઇ રીતે થયું? જાેકે, આ મામલે શિક્ષણ વિભાગ જ તપાસ કરીને જવાબ આપી શકે છે કે, આ પ્રશ્નપત્રો આજની પરીક્ષાના જ છે કે, ખોટા મેસેજ સાથે ચર્ચાસ્પદ બની રહ્યા છે.
પેપર લીક મામલે અમરેલી જિલ્લા શિક્ષણાધિકારી, એમ.જી પ્રજાપતિએ ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યુ છે કે, એકમ કસોટી-૨ના વાયરલ પેપર અંગે ફરિયાદ થશે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ પેપર અને આજે લેવાયેલું પેપર અલગ છે. પ્રશ્પપત્ર પર બોર્ડના લોગોનો ખોટી રીતે ઉપયોગ થયો છે.
નોંધનીય છે કે, આ પરીક્ષા સરકારી શાળામા પ્રિંસિપાલની જવાબદારી હેઠળ લેવાતી હોય છે. એકમ કસોટીના ઉતર સહિતના પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચિંતાનો વિષય બન્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, દસમાનું જવાબો સાથેનું પ્રશ્નપત્ર સૌથી પહેલા રાજુલાના વિદ્યાર્થીઓને મળ્યું હતુ. ત્યારબાદ આ પેપર અન્ય જગ્યા ગયુ છે. જાેકે, આ અંગે કોઇ પુષ્ટી અમે નથી કરી રહ્યા. વાયરલ થઇ રહેલા મેસેજમાં લખવામાં આવ્યું છે કે,આ પ્રશ્નપત્ર આજે થનારી પરીક્ષાનું છે અને સાથે જવાબો પણ આપવામાં આવ્યા છે.SSS