નરોડામાંથી ૬૦ કિલો પોષડોડા, જયારે મેમનગરથી પ૦૦ ગ્રામ ચરસ મળ્યું
એસઓજી તથા ક્રાઈમબ્રાંચની અલગ અલગ કાર્યાવહી: કુલ સાત આરોપી ઝડપાયા
(સારથી એમ.સાગર) અમદાવાદ, શહેર પોલીસ તંત્રે નશીલા પદાર્થોનો વેપલો કરતા શખ્શો સામે લાલ આંખ કરી છે અને તેમની કમર તોડવા સઘન કાર્યવાહી કરતાં કેટલાંયે પેડલરોને જેલભેગાં કર્યા છે.
બીજી તરફ હાલ સુધીમાં કેટલાંયને જેલના સળીયા પાછળ નાખવા છતાં વધુને વધુ પકડાયે જ જાય છે જે ડ્રગ્સના મુળીયા અમદાવાદમાં કેટલા ઉંડા ઉતરેલા છે એ તરફ નિર્દેશ કરે છે. આ સ્થિતિમાં શહેર ક્રાઈમબ્રાંચ તથા સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ બે અલગ અલગ બનાવોમાં પ૦૦ ગ્રામ ચરસ તથા પ૯ કિલો પોષડોડાનો જથ્થો ઝડપી લીધો છે પોષડોડાનો આરોપી કરીયાણાની દુકાનની આડમાં ગેરકાયદેસર ધંધો કરતો હતો.
શહેર એસઓજીની ટીમો નશીલા પદાર્થો વેચતા શખ્શોની શોધમાં હતી ત્યારે પીઆઈ વી.આર. ચાવડાની ટીમના પીએસઆઈ બાંગાને નરોડામાં એક શખ્શ ગેરકાયદેસર રીતે પોષડોડાનો ધંધો કરતો હોવાની બાતમી મળી હતી જેના આધારે નરોડા બેઠક ત્રણ રસ્તા પાસે આવેલી મોહનનગર સોસાયટીમાં વિહતકૃપા જનરલ એન્ડ પ્રોવિઝન સ્ટોર્સ નામની દુકાનમાં દરોડો પાડયો હતો.
દુકાનદાર રાકેશ કેશવલાલ મોદીને પકડીને દુકાનની તપાસ કરતા તેમાંથી પોષડોડાનો જથ્થો મળી આવ્યો હતો જેના પગલે નજીકમાં જ મફતનગરની ચાલીમાં જ આવેલા તેના મકાનમાં પણ તપાસ કરતા ત્યાંથી પણ પોષડોડાના ટુકડા અને પાવડરનો કુલ પ૯ કિલો જથ્થો મળ્યો હતો જેની કિંમત રૂપિયા ૧,૭૬,૮પ૦ થાય છે. તપાસ દરમિયાન અન્ય વસ્તુઓ પણ મળી આવતા કુલ ર.૪૭ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને રાકેશ વિરુધ્ધ એનડીપીએસની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
પોષડોડા રાજસ્થાનથી મંગાવતો
રાકેશની પ્રાથમિક તપાસમાં અગાઉ તે પોષડોડા વેચવાનું લાયસન્સ ધરાવતો હતો. જાેકે સરકારે વર્ષ ર૦૧૬માં લાયસન્સ બંધ કર્યા હતા તેમ છતાં રાકેશ ગેરકાયદેસર રીતે રાજસ્થાનથી અજાણી વ્યક્તિ દ્વારા પોષડોડા મંગાવીને વેચતો હતો.
બીજી બરફ ક્રાઈમબ્રાંચના પીઆઈ જે.એન. ચાવડાની ટીમને મેમનગરમાં કેટલાંક શખ્શો ચરસના જથ્થા સાથે હોવાની બાતમી મળી છે જેને આધારે મેમનગર ખાતે ડીનરવેલની ગલીમાં આવેલા રૂષીકેશ એપાર્ટમેન્ટ નજીકથી એક મહેસાણાનો સહીત કુલ છ શખ્શોને ઝડપી લીધા હતા જેમાં મેહુલ રાવલ (રણાસણ, મહેસાણા), કૃણાલ પટેલ (અસારવા), અર્જુન ઝાલા (અસારવા), બ્રિજેશ પટેલ (સોલા), હર્ષ શાહ (મેમનગર) તથા અખિલ ભાવસાર (નારણપુરા) સામેલ છે. ક્રાઈમબ્રાંચને તેમના કબ્જામાંથી પ૦ હજાર રૂપિયાની કિંમતનું પ૦૦ ગ્રામ ચરસ મળી આવ્યું હતું ઉપરાંત બે કાર, પ૮ હજારની રોકડ, ૬ મોબાઈલ ફોન સહીત કુલ ૧૧.૭૩ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
રાધનપુરથી ચરસ લાવ્યા
આરોપીઓની પુછપરછ કરતા છ માંથી મેહુલ, કૃણાલ, અર્જુન તથા બ્રિજેશ રાધનપુર તરફથી લાવ્યા હતા અને હર્ષ તથા અખિલને આપવાના હતા. હર્ષ તથા અખિલ એસ.જી.હાઈવે, સિંધુભવન તથા ગુરૂકુળ વિસ્તારમાં અલગ અલગ ગ્રાહકોને આપતા હતાં. આ તમામ આરોપીઓ નશાની ટેવ ધરાવતા હતા અને બાદમાં વેચાણ પણ ચાલુ કર્યુ હતું છ માંથી એક આરોપીની પત્ની સિવિલ હોસ્પીટલમાં કર્મચારી છે.