Western Times News

Gujarati News

આગામી ફલાવર શો માંથી ફુડ કોર્ટની બાદબાકી

ફલાવર શો ના આયોજનથી અમદાવાદના નાગરીકોની જીંદગી સાથે રમત થઈ રહી છે: સુરેન્દ્ર બક્ષી

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક વર્ષના વિરામ બાદ જાન્યુઆરી- ર૦રર માં દસમા ફલાવર શો નું આયોજન કરવામાં આવી રહયુ છે. આગામી ફલાવર શો ની મુખ્ય થીમ આરોગ્ય અને સ્પોર્ટસ રહેશે. કોરોનાની દહેશતના કારણે સીમિત સહેલાણીઓને જ પ્રવેશ આપવામાં આવશે. ફલાવર શો માં ઓનલાઈન ટિકિટ બુકીંગ કરવામાં આવી રહી છે જયારે પ્રથમ વખત ફૂડ કોર્ટ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રીવરફ્રન્ટ ફલાવર ગાર્ડન ખાતે ૦૮ જાન્યુઆરીથી ર૩ જાન્યુઆરી સુધી ૧પ દિવસ માટે ફલાવર શો નું આયોજન કરવામાં આવ્યું છે. ર૦રર ના ફલાવર શો નું આયોજન અંદાજે ૩૮ હજાર સ્કવેર મીટર જમીન પર કરવામાં આવશે. વિશ્વને છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસે બાનમાં લીધુ છે તેથી ફલાવર- શો ર૦રરની મુખ્ય થીમ આરોગ્યની રહેશે.

ફલાવર શો માં આયુર્વેદ અને આરોગ્ય અંગે માહિતી આપતા ૧પ જેટલા સ્કલ્પસર બનાવવામાં આવશે જેમાં ધનવંતરિ ભગવાન, ચરમ ઋષિ, સંજીવની સાથે હનુમાન દાદા, ખલ-દસ્તો, વેકસીન માટે સીરીંઝ/ વાયલ, ફ્રન્ટલાઈન હેલ્થવર્કર તરીકે ફરજ બજાવતા “નર્સ” સ્ટેથોસ્કોપ અને યોગાની વિવિધ મુદ્દાઓ મુખ્ય રહેશે.

અત્રે નોંધનીય છે કે ર૦ર૦ના ફલાવર શો માં પણ સંજીવની સાથે હનુમાન દાદાની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી જે સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું. ફલાવર શો માં આરોગ્યની સાથે સાથે સ્પોર્ટસની પ્રતિકૃતિઓ પણ બતાવવામાં આવશે. જે રમતોમાં ભારતે મેડલ મેળવ્યા છે તેવી રમતો ભાલા ફેંક, તિરંદાજી, બેડમીન્ટન ઉપરાંત ઓલમ્પીક રીંગની પણ પ્રતિકૃતિઓ સહેલાણીઓ માટે મુખ્ય આકર્ષણ રહેશે. દર વર્ષની માફક ર૦રરમાં પણ ૧૦ જેટલા સેલ્ફી પોઈન્ટ તૈયાર કરવામાં આવશે જેમાં ૧પ ફુટની ઢીંગલી, મોર તથા લવ આર્ટ મુખ્ય રહેશે.

આગામી ફલાવર શો માં ૧પ૦થી વધુ જાતોના ૬ લાખથી વધુ રોપાના ડીસ્પ્લે કરવામાં આવશે. શો માં મહારાષ્ટ્રની બે અને મધ્યપ્રદેશની એક કંપની ધ્વારા પણ સ્ટોલ રાખવામાં આવશે. ફલાવર શો માં નર્સરીના સાત તથા ગાર્ડન ટુલ્સના ૧પ સ્ટોલ રહેશે. ફલાવર શો માં પ્રતિ કલાક ૪૦૦ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે.

દિવસ દરમ્યાન વધુમાં વધુ પાંચ હજાર સહેલાણીઓને જ પ્રવેશ મળશે. ફલાવર શો માટે ઓનલાઈન ટિકિટ બુકીંગ વ્યવસ્થા કરવામાં આવી છે સોમવારથી શુક્રવાર સુધી ૧ર વર્ષ સુધીના બાળકો અને સીનીયર સીટીઝન્સ માટે રૂા.૩૦ અને ૧૩ વર્ષ કે તેથી વધુ વયના લોકો માટે રૂા.પ૦ ટિકિટ દર રાખવામાં આવ્યા છે.

શનિવાર તથા રવિવારે ટિકિટ દર અનુક્રમે રૂા.પ૦ અને રૂા.૧૦૦ રહેશે. અત્રે નોંધનીય છે કે ર૦ર૦ના ફલાવર શો માં પ્રથમ વખત મનપાને નફો થયો હતો. ર૦ર૦માં ટિકિટ વેચાણથી રૂા.૧.૯પ કરોડ અને સ્ટોલ ભાડાથી રૂા.૯પ લાખ મળી કુલ રૂા.ર.૯૦ કરોડની આવક થઈ હતી જેની સામે રૂા.ર.ર૦ કરોડનો ખર્ચ થયો હતો. ફલાવર શો માં દર વરસે રૂા.ર.રપ કરોડ આસપાસ ખર્ચ થાય છે, પરંતુ ર૦ર૦ સિવાય કયારેય નફો થયો નથી.

ર૦૧૭માં ફલાવર શો માટે રૂા.૧.૭૦ કરોડના ખર્ચ સામે રૂા.૬૦ લાખની આવક, ર૦૧૮માં રૂા.ર.૧૦ કરોડના ખર્ચ સામે રૂા.૬પ લાખની આવક તથા ર૦૧૯માં રૂા.ર.૬૪ કરોડના ખર્ચ સામે રૂા.૯પ લાખની આવક મનપાને થઈ હતી અત્રે નોંધનીય છે કે ર૦ર૦ના ફલાવર શો માં સહેલાણીઓનો ભારે ધસારો રહયો હતો જેના કારણે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના તહેવારો દરમ્યાન પણ ફલાવર શો ચાલુ રાખવામાં આવ્યો હતો તેમજ શો ની મુદતમાં પણ બે દિવસનો વધારો કરવામાં આવ્યો હતો.

કોરોનાના નવા વાયરસની દહેશત વચ્ચે ફલાવર શો નું આયોજન કરવામાં આવી રહયુ છે. સુત્રોએ જણાવ્યા મુજબ ૧૦ થી ૧ર જાન્યુઆરી દરમ્યાન વાયબ્રન્ટ સમિટ યોજાશે તે નિશ્ચિત છે તેથી ફલાવર શો રદ કરવામાં આવે તેવી શકયતા ઓછી છે. મ્યુનિ. કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ ફલાવર શો ના આયોજન સામે ઉગ્ર વિરોધ વ્યકત કર્યો છે.

તેમના જણાવ્યા મુજબ શહેરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોરોનાના કેસ ચિંતાજનક હદે વધી રહયા છે, સરકારે પણ કરફર્યુના સમયમાં વધારો કર્યો છે સરકાર અને મનપા દ્વારા કોરોના સામે સાવચેતીના પગલા લેવામાં આવી રહયા હોવાની જાહેરાતો થઈ રહી છે. કેન્દ્ર સરકારે પણ કોરોનાના ત્રીજી લહેરની શક્યતા નકારી નથી. આવા સંજાેગોમાં ભીડ એકત્રિત કરવાનો સીધો મતલબ ત્રીજી લહેરને આમંત્રણ આવી રહયુ છે.

વાયબ્રન્ટ સમિટ રદ થઈ શકે તેમ ન હોવાથી અમદાવાદના નાગરીકોની જીંદગી સાથે ખોટી રમત થઈ રહી છે. મ્યુનિ. શાસકો અને વહીવટીતંત્ર બીજી લહેરની નિષ્ફળતાને ભુલી ગયા હોય તેમ લાગી રહયુ છે. સારવાર અને ઓક્સીજનના અભાવે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા તથા લોકડાઉનના કારણે નાના વેપારીઓ આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે તેમ છતાં મ્યુનિ. શાસકો “ફલાવર- શો”નું આયોજન કરી રહયા છે તે બાબત આશ્ચર્યજનક છે, સરકાર દ્વારા ગાંધીનગરમાં સમિટનું આયોજન કરવામાં આવશે. વિદેશથી આવતા મહેમાનો સામે “સબ-સલામત”ના દેખાડા માટે “ફલાવર શો”ને માધ્યમ બનાવવામાં આવી રહયુ હોય તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.