‘ઘર વિહોણા લોકોના માથે છત પુરી પાડવાનું વડાપ્રધાનનું સપનું છે’

(માહિતી બ્યુરો, પાલનપુર) સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા પાલનપુર કાનુભાઇ મહેતા હોલ ખાતે સંસદ સભ્ય પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની વિવિધ યોજનાઓના સહાય તથા મંજુરી હુકમોનું એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે સાંસદ પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે, સ્વ. વડાપ્રધાન અટલજીના જન્મદિવસ તા. ૨૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, ભૂતકાળમાં પણ સરકારના તમામ વિભાગો કાર્યરત હતા.
પરંતું લોન કે સહાય મેળવવા પગના તળીયા ઘસાઇ જતા હતા. આજે લાભાર્થીઓને શોધી સામેથી જઇને લાભો આપવામાં આવે છે તે સુશાસનનું પરિણામ છે. તેમણે જણાવ્યું કે, ગરીબોને તેમના હકો આપવા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દરેક તાલુકા મથકોએ ગરીબ કલ્યાણ મેળાઓ યોજી લાભો આપવાની શરૂઆત કરાવી હતી.
તેવી જ રીતે સુશાસન સપ્?તાહની ઉજવણીના આજે પાંચમા દિવસે સામાજિક ન્યાય અને આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા છે.
સાંસદ પરબતભાઇ પટેલે કહ્યું કે, તમામ ઘર વિહોણા લોકોના માથે છત પુરી પાડવાનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સપનું છે. આ સપનાને સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજના, ર્ડા. આંબેડકર આવાસ યોજના અને પંડિત દિનદયાળ આવાસ યોજનામાં ઘર બનાવવા લાભાર્થીને સહાય આપવામાં આવે છે.
તેમણે કહ્યું કે, આ સરકારે ગરીબો, મહિલા અને બાળકોના આરોગ્યની કાળજી લેવા અનેક આરોગ્યલક્ષી યોજનાઓ અમલમાં મુકી છે. શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ શાળામાં ભણતા તમામ બાળકોના આરોગ્યની તપાસ કરી જરૂર જણાય સારવાર આપવામાં આવે છે.
દવાઓના અભાવે કોઇ દુઃખી ન થાય તે માટે ગરીબ લોકોને રૂ. ૫ લાખ સુધીની કેશલેશ સારવાર આપવામાં આવે છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ દેશમાં ૮ કરોડ પરિવારોને ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે જેનાથી બહેનોને ચૂલો ફૂંકવા અને બિમારીઓમાંથી મુક્તિ મળી છે.
સાંસદએ કહ્યું કે, સરકારના આગોતરા આયોજનના લીધે આપણે કોરોનાની પહેલી અને બીજી લહેરમાંથી હેમખેમ બહાર નિકળ્યા છીએ. હવે જ્યારે ત્રીજી લહેર આવવાની શક્યતાઓ વર્તાઇ રહી છે ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરાઇ છે પરંતું આપણે પણ એક જવાબદાર નાગરિક તરીકે માસ્ક પહેરીએ, વારંવાર હાથ ધોઇએ અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરીએ જેથી સુરક્ષિત રહી શકીએ.