Western Times News

Gujarati News

આપણી લોકમાતાનું બિરૂદ પામેલી નદીઓની સ્વચ્છતા જાળવવી અત્યંત અનિવાર્ય -શ્રમ રોજગાર મંત્રી

આઝાદી કા અમૃત મહોત્સવ નદી ઉત્સવ- પ્રભાત ફેરી

સમગ્ર દેશમાં ’આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા “River of India”  થીમ પર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

જે અંતર્ગત ગુજરાત સરકારે 26 ડિસેમ્બર થી 30 ડિસેમ્બર, 2021 દરમિયાન “નદી મહોત્સવ” ઉજવવાનું આયોજન કર્યું હતું. જેમાં અમદાવાદ ખાતે સાબરમતી નદી પર ચાર થીમમાં – સફાઈ, દેશભક્તિ, પ્રકૃતિ-પર્યાવરણ અને ભક્તિ-આધ્યાત્મિક  અંગેના કાર્યક્રમો યોજાયા હતા.

અંતિમ  દિવસે ગાંધી આશ્રમ  ખાતે પ્રભાત ફેરીનુ આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં શ્રમ રોજગાર મંત્રી શ્રી બ્રીજેશ મેરજા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રભાત ફેરી ગાંધી આશ્રમથી શરુ થઈ રીવર ફ્રન્ટ થઈ ઉસ્માનપુરા ગાર્ડન ખાતે સંપન્ન થઈ હતી. મંત્રીશ્રીએ ગાંધી આશ્રમ ખાતે પૂજ્ય ગાંધી બાપુની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી શ્રધ્ધા સૂમન અર્પ્ણ કર્યા હતા.

પ્રાસંગિક ઉદબોધનમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આપણી નદીઓ લોકમાતાનું બિરૂદ પામેલી છે. પ્રાચીન સંસ્કૃતિમા લોકો નદી કિનારે વસવાટ કરતાં હતા. તત્કાલીન વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીએ નદીઓનું જોડાણ અને જીવંત કરવાની વાતને મહત્વ આપ્યું હતું. જેને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સંકલ્પબદ્ધ  કરવાની નેમ વ્યક્ત કરી અને પ્રવર્તમાન રાજ્ય સરકાર એ જ પથ પર આગળ વધી રહી છે.

આ પ્રભાત ફેરીમાં મોટી સંખયામાં લોકો જોડાયા હતા. આ પ્રસંગે અમદાવાદજિલ્લા વિકાસ અધિકારીશ્રી, જળ સંપત્તિ વિભાગના અધિકારીઓ-નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. – હિમાંશુ ઉપાધ્યાય


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.