ગુજરાતમાં ડોકટરો, વિદ્યાર્થીઑ અને પોલીસ કર્મચારીઑ પણ કોરોનાની ઝપેટમાં
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/12/Corona-1-1024x576.jpg)
અમદાવાદ, સુરત શહેરમાં કોરોના પોઝિટિવ કેસ વધતા તંત્ર ચિંતિત બન્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ૭૪ પોઝિટિવ કેસ બહાર આવતા ફરી બીજી લહેર વાળી સ્થિતિ નજર સામે તરી રહી છે. શાળાના વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ થતાં મોટી ઉપાદી માથા પર મંડારાઈ રહી છે.
કલસ્ટર વિસ્તારો અઠવા ઝોનમાં સૌથી વધુ ૩૭ કેસ, રાંદેર ઝોનમાં કોરોનાના ૧૫ કેસ નોંધાયા છે.સિવિલના સુપરિન્ટેન્ડન્ટ ગણેશ ગોવેકર પણ સંક્રમિત થયા છે. સામે સુરત પોલીસના કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
સુરત ટ્રાફિક વિભાગના ડીસીપી પ્રશાંત સુંબે તેમજ ડિંડોલીના પીઆઇ મહેન્દ્ર સાલુનકે પણ કોરોનાગ્રસ્ત થયા છે. બંને પોલીસ અધિકારીઓને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે. જ્યારે સંપર્કમાં આવેલાની ટેસ્ટ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના સંક્રમણે જાેર પકડયું છે. એક દિવસમાં સૌરાષ્ટ્રમાં કોરોનાના ૫૯ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
મહત્વનું છે કે રાજકોટ શહેરમાં ૧૦ જયારે ગ્રામ્યમાં ૧૮ કેસ કોરોનાના નોંધાયા છે.રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં ઈથોપિયાની ૨૩ વર્ષીય યુવતીને કોરોના થયો છે. ઓમિક્રોન હોવાની આશંકાએ યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. વિદ્યાર્થીનીના સેમ્પલ જીનોમ સિકવન્સિંગ માટે મોકલી દેવામાં આવ્યા છે.
અમદાવાદની શાળાઓમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. અત્યાર સુધી અમદાવાદની શાળાઓમાં ૨૦ કેસ નોંધાયા છે. એક જ દિવસમાં અમદાવાદની ૬ શાળામાં ૯ કેસ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદની ૧૦ સ્કૂલમાં અત્યાર સુધી ૨૦ કોરોના કેસ નોંધાયા છે.
ઉદગમમાં ૪, મહારાજ અગ્રસેન સ્કૂલમાં ૪ કેસ, નિરમા સ્કૂલમાં ૩ કેસ, સંત કબીર સ્કૂલમાં ૨ કેસ નોંધાયા છે. જયારે નવકાર સ્કૂલમાં ૧ કેસ, ઝેબર સ્કૂલમાં ૧ કેસ, CN વિદ્યાલયમાં ૧ કેસ, લોટસ સ્કૂલમાં ૧ કેસ અને DPS બોપલમાં ૧ અને ટર્ફ સ્કૂલમાં ૧ કેસ નોંધાયો છે.
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૫૭૧ કેસ સામે આવતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે, એક્ટિવ કેસની સંખ્યા ૨૩૭૧ સુધી પહોંચી ગઈ છે. અમદાવાદમાં સૌથી વધુ ૨૭૮ કેસ આવતા તંત્ર સાબદું બન્યું છે.
રાહતના સમાચાર એ છે કે આજે કોઈ પણ કેસ ઑમિક્રૉનનો નોંધાયો નથી. આજે કોરોનાને માત આપીને ૧૦૨ દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે કોરોનાગ્રસ્ત ૧૧ દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨ દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર ૯૮.૫૦ ટકા રહ્યો છે. જ્યારે રાજ્યભરમાં આજે ૨.૩૨ લાખ નાગરિકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.HS