૧૨ દિવસ બાદ આમ આદમી પાર્ટીના નેતાઓની જેલમુક્તિ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/12/AAp-3.jpg)
અમદાવાદ, ગુજરાતમા પેપર લીકના કૌભાંડો બાદ અસિત વોરાના રાજીનામાની માંગણી સાથે આમ આદમી પાર્ટીએ મોરચો માંડ્યો હતો. યુવરાજસિંહે ૭૨ કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું, પરંતુ સરકારે પેપર લીક મામલે કાર્યવાહી શરૂ કરતાં તેમના અલ્ટિમેટમનું સુરસુરિયું થઈ ગયું હતું.
ભાજપ કાર્યાલય કમલમ પર હુલ્લો બોલાવનાર આપના નેતાઓ અને કાર્યકર્તાઓને જેલભેગા કરવામાં આવ્યા હતા. ત્યારે આખરે ૧૧ દિવસ બાદ આપના ૫૫ નેતાઓ અને કાર્યકર્તાઓને સેશન્સ કોર્ટ ગાંધીનગર દ્વારા શરતી જામીન મંજુર કર્યા હતા. ત્યારે આજે આમ આદમી પાર્ટીના નેતાઓનો જેલમાંથી છુટકારો થયો છે. ભાજપ કાર્યાલય ખાતે વિરોધના મામલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓની સાબરમતી જેલમાંથી મુક્તિ થઈ છે.
આપના નેતાઓ સહિત ૫૫ કાર્યકર્તાઓને કોર્ટમાંથી ગઈકાલે જામીન મળ્યા હતા. ગાંધીનગર સેશન કોર્ટ દ્વારા તેમને શરતી જામીન અપાયા હતા. ત્યારે આમ આદમી પાર્ટીના ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિત ૫૫ કાર્યકર્તાઓની આજે જેલ મુક્તિ થઈ હતી. જેલ ખાતે આપના કાર્યકર્તા મોટી સંખ્યામા એકઠા થયા હતા.
ફુલહાર પહેરાવીને તમામ નેતાઓનુ સ્વાગત કરાયુ હતું. ૧૨ દિવસની જેલમુક્તિ બાદ બહાર આવેલ આપના નેતા ઈશુદાન ગઢવીએ જણાવ્યુ કે, અમારી લાડાઈ ચાલુ છે અને રહેશે. ઉમેદવાર અને પરિવાર માટે અમે કર્યું. તમે અમને સાથ આપશો. મારા મેડિકલ રિપોર્ટ પણ કરાવ્યા. હવે લિગલ ટીમ સાથે અમે ચર્ચા કરીને આગળ વધીશુ. ૧૦ દિવસ પહેલા ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓએ હોબાળો મચાવ્યો હતો.
આ કેસમાં ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિત ૫૫ આપ નેતાઓની અટકાયત કરાઈ હતી. આમ આદમી પાર્ટીના ૫૦૦ થી વધુ કાર્યકર્તાઓએ કમલમમાં હુરિયો બોલાવ્યો હતો. જેમાં પોલીસે ૬૫ પુરુષો અને ૨૮ મહિલાઓ મળીને કુલ ૯૩ જેટલા કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી. ૨૦ ડિસેમ્બરથી તમામ નેતાઓ જેલના સળિયા પાછળ હતા. ત્યારે આજે ગાંધીનગર સેશન કોર્ટ દ્વારા શરતી જામીન આપવામાં આવ્યા છે.SSS