દિલ્હી-મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કારણે સ્થિતિ બેકાબૂ બની
ઓમિક્રોનના ૪૫૦ કેસ સાથે મહારાષ્ટ્ર હોટસ્પોટ બન્યું ઃ દિલ્હીમાં ૩૨૦ કેસ
નવી દિલ્હી, દેશમાં કોરોના વાઇરસનો સૌથી વધુ સંક્રામક વેરિઅન્ટ ઓમિક્રોન હવે બેકાબૂ બનીને તબાહી મચાવી રહ્યો છે. દેશના ૨૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો હવે ઓમિક્રોનના ભરડામાં આવી ચૂક્યા છે. એમાંય મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમિક્રોનના કારણે હાહાકાર મચી ગયો છે. સ્થિતિ દિન-પ્રતિદિન સ્ફોટક અને ખતરનાક બનતી જાય છે.
દેશમાં ઓમિક્રોનના કેસની કુલ સંખ્યા હવે ૧,૨૦૦ને વટાવીને ૧,૨૭૦ પર પહોંચી ગઇ છે. રાજ્યવાર ઓમિક્રોનના કેસની સંખ્યા જાેઇએ તો મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૪૫૦ કેસ, દિલ્હીમાં ૩૨૦, કેરળમાં ૧૦૯, ગુજરાતમાં ૯૭, રાજસ્થાનમાં ૬૯, તેલંગાણામાં ૬૨, તામિલનાડુમાં ૪૬,
કર્ણાટકમાં ૩૪, આંધ્રપ્રદેશમાં ૧૬, હરિયાણા-ઓડિશામાં ૧૪-૧૪, પશ્ચિમ બંગાળમાં ૧૧, મધ્યપ્રદેશ ૯, ઉત્તરાખંડમાં ૪, ચંડીગઢ અને જમ્મુ-કાશ્મીરમાં ૩-૩, આંદમાન-નિકોબાર ટાપુ અને ઉત્તરપ્રદેશમાં ૨-૨, ગોવા, હિમાચલપ્રદેશ, લદાખ, મણિપુર અને પંજાબમાં એક-એક કેસ સાથે હવે ઓમિક્રોનના કુલ કેસનો આંકડો ૧,૨૭૦ થઇ ગયો છે.
સૌથી ચિંતાજનક વાત એ છે કે, દેશમાં ઓમિક્રોનના ૧,૨૭૦ કેસ સામે રિકવરી ઘણી ઓછી છે અને અત્યાર સુધીમાં માત્ર ૩૭૪ સંક્રમિતો જ સાજા થયા છે.
મહારાષ્ટ્રની સ્થિતિ ઘણી સ્ફોટક છે, કારણ કે ગઇકાલે એક જ દિવસમાં મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના ૧૯૮ નવા કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. આ સંજાેગોમાં મહારાષ્ટ્ર અને દિલ્હી બંનેમાં નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં નોંધાયેલા ઓમિક્રોનના ૧૯૮ કેસમાંથી ૧૯૦ એકલા મુંબઇના જ છે. દિલ્હીમાં એક જદિવસમાં ઓમિક્રોનના ૫૭ નવા કેસ નોંધાયા હતા.