આશ્રય ગ્રૂપના બિલ્ડરનું અપહરણ ૮૩ લાખના બે ચેક આપતા છુટકારો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/car-5-1024x538.jpg)
અમદાવાદ, સરખેજ પાસેના મકરબા ગામ પાસે આવેલી અંબિકા દર્શન સોસાયટીમાં રહેતા આશ્રય ગ્રુપના બિલ્ડર કેવલ મહેતાનું પિતા-પુત્ર સહિત ત્રણ લોકોએ અપહરણ કર્યુ હતું. બિલ્ડરે ૮૩ લાખના બે ચેક આપ્યા બાદ તેનો છુટકારો થયો હતો. પોલીસસુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે પૈસાની લેતી-દેતી મામલે અપહરણ થયું હોવાનું જાણવા મળ્યું છે.
અગાઉ પણ કેવલ મહેતા સામે અનેક ફરિયાદો અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે, તો કેટલીક ફરિયાદો તેમને પણ અલગ-અલગ લોકો સામે નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, કેવલ મહેતા તથ્ય ઇન્ફ્રાસ્પેસ પ્રા.લિ. નામની બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. ૨૪ ડિસેમ્બરે તેમની કાર લઇને તેમના ઘર પાસેથી જતા હતા ત્યારે વળાંકમાં એક ટુ-વ્હિલર તેમની કાર સાથે અથડાઇ. અકસ્માત બાદ અચાનક એક ઇનોવા કારમાંથી ૬થી ૭ માણસો ઉતર્યા કેવલને ઉઠાવી ગયા.
ત્યારબાદ બિલ્ડરને એસ.પી. રિંગ રોડ ઉપર ફેરવી સાણંદ લઇ ગયા હતા. કારમાં બેઠેલા રફીકભાઇ નામના શખ્સે કેવલને કહ્યું કે, પેલી કારમાં બેઠેલા છે તેમને ઓળખો છો. કેવલ મહેતાએ જાેયુ તો તે અશોક જયંતિભાઇ પટેલ અને તેનો પુત્ર નીલ પટેલ હતા. રફીકે કહ્યું હતું કે, તમે નીચે ઉતરીને તમારા હિસાબની વાત કરી લો,
જેથી સાણંદના કે.ડી. ફાર્મ પાસે અશોકે ઉતરીને કેવલભાઇને પેટ પર ચપ્પુ મારવાનો પ્રયાસ કર્યો હતો, જાેકે તેમણે હાથ વચ્ચે લાવી દેતા ચપ્પુ હાથ પર વાગ્યું હતું. ત્યારબાદ કેવલને ધમકી આપી હતી કે, ત્રણ કરોડ રૂપિયા આપશો તો જ અહીંથી જવા દઇશું. આથી કેવલની રાણીપ વિસ્તારમાં આવેલી ઓફિસમાંથી ૮૦ લાખનો એક ચેક અને બીજાે ત્રણ લાખનો ચેક બે ચેક લીધા બાદ તેમને જવા દીધા હતા.