મોરવા હડફ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડાયાલીસીસ સેન્ટરનું લોકાર્પણ
(પ્રતિનિધિ) મોરવા હડફ, પંચમહાલ જિલ્લાના મોરવા હડફ સામુહિક આરોગ્ય કેન્દ્ર, ખાતે આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ રાજ્યમંત્રી નિમિષાબેન સુથારનાં વરદ હસ્તે ડાયાલીસીસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પીએમજેએવાય- મા કાર્ડ, મેગા હેલ્થ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ પદેથી સંબોધન કરતા આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબેન સુથારે જણાવ્યું હતું કે મોરવા હડફ ખાતે નવીન ડાયાલીસીસ સેન્ટરનું ઉદઘાટન રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં પણ શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ ડાયાલિસીસ સેન્ટર શરૂ થતા મોરવા અને આજુબાજુનાં વિસ્તારના લોકોને ડાયાલિસીસ માટે હવે ગોધરા કે દૂરનાં સ્થળોએ જવાની જરૂર નહીં તેમજ ભવિષ્યમાં જરૂર પડ્યે હાલનાં ત્રણ બેડની ક્ષમતા વધારીને કુલ ૮ બેડની કરવામાં આવશે.
જિલ્લામાં ૯૫% નાગરિકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ગયો છે ત્યારે બાકી રહેલા લોકોને ઝડપથી વેક્સિનો બીજાે ડોઝ લેવા તેમજ આરોગ્ય વિભાગને વેક્સિનેશનની કામગીરીમાં સહયોગ આપવા તેમણે અનુરોધ કર્યો હતો. સ્ટ્રેસભર્યા જીવનનાં કારણે હાઈ બીપી, ડાયાબિટીસ સહિતનાં લાંબા ગાળે નુકસાનકારક નીવડતા બિનચેપી રોગોનું પ્રમાણ વધ્યું છે ત્યારે નિરામય અભિયાન અંતર્ગત આવા રોગોનાં સ્ક્રીનિંગ અને સારવારનો લાભ લેવા તેમણે અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકી તેમજ પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડે પ્રાસંગિક સંબોધન કર્યા હતા. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને હેલ્થ આઇડી કાર્ડ, પીએમજેએવાય મા કાર્ડ, વ્હીલચેર, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, નિરામય હેલ્થ આઈડી કાર્ડ, તેમજ પોષણ સહાય કીટોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કાલોલના ધારાસભ્ય સુમનબેન ચૌહાણ, જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના પદાધિકારીઓ, ઈન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ બી. રાઠોડ, પ્રાંત અધિકારી જયકુમાર બારોટ, તેમજ આરોગ્ય વિભાગનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.