મ્યુનિ.કોર્પોરેશને જલધારા વોટરપાર્ક “સીઝનલ સેલ” ના ભાવથી આપ્યો
વાર્ષિક રૂ.ર૮ લાખ ભાડા સામે ઝીરો પ્રોપર્ટીટેક્ષઃ ગરબા-લગ્ન પ્રસંગ માટે છુટ આપી
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ 01062019: મ્યુનિ.કોર્પોરેશને જલધારા વોટરપાર્ક “સીઝનલ સેલ” ના ભાવથી આપ્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યામાં બનાવવામાં આવેલ જલધારા વોટરપાર્ક નો વધુ એક વખત “સીઝનલ સેલ” ના ભાવથી કોન્ટ્રકટ આપવામાં આવ્યો છે. મુળ કોંગ્રેસી પંરતુ ધંધાકીય લાભાર્થે ભાજપમાં જાડાયેલ અને કોર્પોેરેટરપદ મેળવી ચુકેલ વ્યકિતના પરીવારને ફરીથી “જલધારા વોટર પાર્ક” ચલાવવા માટે આપવામાં આવી રહયો છે. જેના માટે જુના કરારની તમામ શરતો પણ રદ કરવામં આવી છે. તથા નજીવા વાર્ષિક ભાડા સામે “ઝીરો પ્રોપર્ટીટેક્ષ” નો લાભ પણ આપવામાં આવ્યો છે. ચોકાવનારી બાબત એ છે કે ભુતકાળમાં જલધારા વોટર પાર્ક મામલે કોર્ટ કાર્યવાહી કરનાર કોગ્રેસ પક્ષ નવા કોન્ટ્રાકટર મામલે મૌન છે !
મ્યુનિ.કોર્પોરેશને તેની અંદાજે ૧૩ હજાર ચો.મીટર જમીન પર વોટર પાર્ક એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા તથા ચલાવવા માટે સેવન સ્ટાર પ્રા.લી. કંપની સાથે ૧૯૯૮ માં કરાર કર્યા હતા. કરારની શરત મુજબ આવકનો ૩૦ ટકા હિસ્સો કોર્પોરેશનને મળવાનો હતો. તથા કરારની મુદત ૧પ વર્ષની હતી. જે ર૦૧૩માં પૂર્ણ થતી હતી. પરંતુ ધંધાકીય લાભ માટે ભાજપમાં જાડાયેલ કોન્ટ્રાકટરે વોટર પાર્ક બનાવવામાં બે વર્ષનો વિલંબ થયો હોવાના કારણો દર્શાવી ર૦૧પ સુધી મુદત લંબાવી હતી.
ત્યારબાદ પણ યેનકેન પ્રકારે મેળાપીપણા કરીને ર૦૧૭ સુધી વોટરપાર્કનો ભોગવટો કર્યો હતો. સદ્દર સંસ્થાને વધુ ર૦ વર્ષ માટે વોટરપાર્ક ચલાવવા માટે આપવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જેનો વ્યાપક વિરોધ થયો હતો. તથા મ્યુનિ.કોગ્રેસપક્ષના પૂર્વનેતા બદરૂદીન શેખે ર૦ વર્ષ માટે વોટર પાર્ક આપવામાં ન આવે તેમજ ફરીથી ટેન્ડર થાય તે માટે હાઈકોર્ટમાં રીટ કરી હતી. જેમાં તેઓ સફળ થયા હતા. જેની સામે કોન્ટ્રાકટરે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે પણ કોર્પોરેશનને ફરીથી ટેન્ડર જાહેર કરવા નિર્દેશ કર્યા હતા.
જેના કારણે પૂર્વ કોર્પોરેટર તથા ભાજપ હોદેદારો મનમાની કરી શકયા ન હતા. સુપ્રિમ કોર્ટમાં કોર્પોરેશનને ટેન્ડર જાહેર કરવાનો નિર્દેશ મળ્યા બાદ અગમ્ય કારણોસર લગભગ દોઢ વર્ષ સુધી વહીવટીતંત્ર અને શાસકો દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી. થોડા સમય અગાઉ કોર્પોરેશને જલધારા વોટરપાર્કના ઓપરેશન-મેઈન્ટેનસ માટે જાહેરાત આપી હતી. જેમાં અગાઉથી નિયત થયા મુજબ સેવનસ્ટાર કંપનીએ વાર્ષિક રૂ.ર૮ લાખની ઓફર કરી હતી. જયારે બીજા નંબરની પાર્ટીએ રૂ.ર૬ લાખની ઓફર કરી હતી. તેથી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કર્યો કરી કાયદાકીય ગુંચ ના થાય તેવી રીતે વધુ એક વખત સેવનસ્ટાર કંપનીને માત્ર બે વર્ષ માટે જ જલધારા વોટર પાર્ક આપવામાં આવ્યો છે. ત્યારબાદ શાસક પક્ષની ઈચ્છા હશે તો વધુ મુદતમાં એક વર્ષનો વધારો કરવામાં આવશે.
મ્યુનિ. શાસકો એ તેમની સામે આંગળી ન ચીંધાય તે રીતે સેવન-સ્ટાર કંપનીને કોન્ટ્રાકટર આપ્યો છે. પરંતુ તેમાં છુટછાટો આપવામાં આવી છે. તેનો અભ્યાસ કરવામાં આવે તો ભાજપના હોદેદારો શંકાના દાયરામાં જરૂર આવી જાય છે. જલધારા વોટરપાર્કના પૂર્ણ થયેલ કરારમાં વોટરપાર્ક સંકુલમાં કોઈપણ પ્રકારના સામાજીક કે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા માટે સ્પષ્ટ મનાઈ હતી. જાકે, સત્તાધારી પાર્ટી અને ઝૂ ના સુપ્રિ.ડો.શાહુની રહેમ નજરે નવરાત્રીમાં ગરબા આયોજન તથા લગ્ન-પ્રસંગના આયોજન પણ વોટર પાર્ક સંકુલમાં થતા હતા. જેની આવકમાંથી કોર્પોરેશનને રાતી-પાઈ પણ મળતી ન હતી. નવા કોન્ટ્રાકટમાં આ તમામ પ્રવૃત્તિ માટે છુટ આપવામાં આવી છે. મતલબ કે મનપા ને વાર્ષિક રૂ.ર૮ લાખ આપીને નવરાત્રીના નવ દિવસમાં જ તેનાથી વધુ વળતર સેવન-સ્ટાર કંપની મેળવી લેશે. જયારે વર્ષના ૩૬પ દિવસ પૈકી માત્ર ૬૦ દિવસ લગ્ન-પ્રસંગ માટે પણ ભાડે આપવામાં આવે તો આવક કરોડોને આંબી જાય છે !
જાણકારોના મંતવ્ય મુજબ જુના કોન્ટ્રાકટર સમયે લગ્ન માટે વ્યકિતદીઠ રૂ.૪પ૦ ના ભાવથી વોટરપાર્ક ભાડે આપવામાં આવતો હતો. જેમાં જમણવાર, ડેકોરેશન તથા ભાડુ તમામનો સમાવેશ થતો હતો સામાન્ય રીતે એક હજાર વ્યકિતના પ્રસંગની ગણત્રી કરવામાં આવે તો પણ બીલની રકમ રૂ.૪પ લાખ થઈ જાય તેમ છે. મ્યુનિ.શાસકો કદાચ આ ગણિત સમજતા નીથ. કે સમજવા માંગતા નથી.
પરંતુ ઝૂ ના સુપ્રિ.ડો.શાહુ આ ગણિત સમજી ચુકયા છે તેથી જ તેમણે તમામ શરતો હળવી કરીને સેવન-સ્ટાર કંપનીને જ કોન્ટ્રાકટર અપાવવા માટે મહેનત કરી છે તેવી ચર્ચા પણ ચાલી રહી છે. આ તો નવરાત્રી અને લગ્ન-પ્રસંગના હિસાબની વાતો છે. પરંતુ ચોકાવનારી બાબત એ છે કે વાર્ષિક રૂ.ર૮ લાખ ભાડા સામે તંત્ર દ્વારા કોઈ જ મિલ્કતવેરો લેવામાં આવશે નહીં. પ્રાણી સંગ્રહાલય સુપ્રિ.ડો.શાહુ એ “કોર્પોરેશનની મિલ્કત હોવાથી મિલ્કતવેરો લઈ ન શકાય” તેવો નવો નિયમ બનાવ્યો છે, તથા રીક્રીએશન કમીટી ચેરમેન ને પણ આ જ નિયમ સમજાવ્યા છે. જલધારા વોટર પાર્કના નવા કોન્ટ્રાકટ મુજબ તંત્રને વાર્ષિક રૂ.ર૮ લાખ મળશે.જેની સામે કરોડો રૂપિયાની આવક ગુમાવશે જુના કરારમાં પણ મિલ્કતવેરો લેવામાં આવ્યો ન હતો.
ર૦૦ર-૦૩ માં કોગ્રેસ પક્ષે મિલ્કતવેરો ન લેવા માટે ભલામણ કરી હતી. પરંતુતેને સરકાર તરફથી મંજૂરી મળી ન હતી. તેમ છતાં ૧૭-૧૭ વર્ષ સુધી તંત્ર દ્વારા મિલ્કતવેરો લેવામાં આવ્યો ન હતો. જુના કરારમાં જે શરતો ના ઉલ્લંઘન કરવામાં આવ્યા હતા. તે તમામ શરતો નવા કરારમાં રદ કરવામાં આવી છે. જેનો યશ મ્યુનિ.શાસકો અને ડો.શાહુ ના ફાળે જાય છે. પ્રજાના રૂપિયાનો ગેર-વહીવટ કેવી રીતે કરવો તેનું ઉત્કૃષ્ણ ઉદાહરણ જલધારા વોટરપાર્ક છે. ૧૯૯૮નીસાલથી તેનો ગેર-વહીવટ થઈ રહયો છે. તેમ છતાં માત્ર ભાજપનો ખેસધારણ કર્યો હોવાથી પ્રજાના પરસેવાની કમાણીનો દુરુપયોગ થઈ રહયો છે.
જેમાં વિપક્ષ કોગ્રેસ પણ સરખા હિસ્સે જવાબદાર છે. એક વર્ષ અગાઉ કોર્ટ કાર્યવાહી કરનાર વિપક્ષ પણ મૌન છે. કદાચ “હિસ્સો”મળી ગયો હશે ! તેવા આક્ષેપો પણ ખુલ્લેઆમ થઈ રહયા છે !