સ્કૂલોમાં ફરી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવાની યોજના
અમદાવાદ, થોડા મહિના પહેલા કોવિડ-૧૯ના કેસમાં તીવ્ર ઘટાડો થતાં રાજ્યભરના સ્કૂલોના દરવાજા વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવ્યા હતા. જાે કે, અમદાવાદ સહિત ગુજરાતમાં ફરીથી કોરોનાના કેસમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી સ્કૂલે જતાં બાળકોમાં પણ કોવિડ-૧૯ના કેસ જાેવા મળી રહ્યા છે, જે એક મોટો પડકાર છે.
આ બધાની વચ્ચે શહેરની કેટલીક સેલ્ફ-ફાયનાન્સ સ્કૂલો ફરીથી શિક્ષણ માટે સંપૂર્ણ રીતે ઓનલાઈન મોડના વિકલ્પ પર વિચાર કરી રહી છે. જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તેઓ ક્લાસરૂમ બંધ કરવા માગે છે. ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રને શુક્રવારથી જ પ્રાથમિક વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ શરૂ કરી દીધું છે.
‘શહેરોમાં કેસોની વધતી સંખ્યાના કારણે અમે આ ર્નિણય લીધો છે’, તેમ ઉદગમ સ્કૂલ અને ઝેબર સ્કૂલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ‘સ્કૂલમાં વિદ્યાર્થીઓની હાજરીમાં ઘટાડો જાેવા મળ્યો છે. શુક્રવારે ઓફલાઈન શિક્ષણ માટે માત્ર ૨૦ ટકા જ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. સીએન વિદ્યાલયે સોમવારથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવાનું નક્કી કર્યું છે.
દિવાળી વેકેશન બાદ સ્કૂલે થોડા સમય માટે ઓનલાઈન શિક્ષણ બંધ કરી દીધું હતું કારણ કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્કૂલે આવવા લાગ્યા હતા. ‘શુક્રવારે હાજરીમાં ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. તેથી અમે સોમવારથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવાનું નક્કી કર્યું છે’, તેમ સીએન વિદ્યાલયના પ્રિન્સિપાલ હિતેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું.
પ્રકાશ હાઈ સ્કૂલના પ્રિન્સિપાલ મૃગેણ શાહે જણાવ્યું હતું કે, સરકારે આ વર્ષે જુલાઈથી મંજૂરી આપ્યા બાદ સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરાયું નહોતું. ‘જ્યાં સુધી સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી અમે ઓનલાઈન ક્લાસ યથાવત્ રાખીશું’, તેમ તેમણે કહ્યું હતું. કોવિડ-૧૯ના કારણે લાંબા સમય સુધી બંધ રહ્યા બાદ, જુલાઈથી નવા શૈક્ષણિક વર્ષ માટે સ્કૂલો ફરીથી તબક્કાવાર રીતે ખોલવામાં આવી હતી.
આમાની મોટાભાગની સ્કૂલો ઓનલાઈન શિક્ષણ તરફ વળી હતી જે હજી પણ યથાવત્ છે કારણ કે સરકારે માત્ર મર્યાદિત ક્ષમતા સાથે ફરીથી ખોલવાની મંજૂરી આપી હતી. શહેરની વધુ બે સેલ્ફ-ફાયનાન્સ સ્કૂલના બે વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શુક્રવારે, થલતેજમાં આવેલી ઉદગમ સ્કૂલ અને પાલડીમાં આવેલી શ્રી દામુભાઈ શુક્લા હાઈ સ્કૂલે જિલ્લા શિક્ષણ અધિકારીને તેમના એક-એક વિદ્યાર્થીનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણ કરી હતી.SSS