શાઓમી-ઓપ્પોની ૬,૫૦૦ કરોડની બેહિસાબી આવક આઇટીએ પકડી

નવીદિલ્હી, આવકવેરા વિભાગે શાઓમી અને ઓપ્પોની ૬,૫૦૦ કરોડની બેહિસાબી આવક પકડી છે. ઉલ્લેખનીય છે કે ૨૧ ડિસેમ્બરે દિલ્હી અને બીજા ૧૧ રાજ્યો કર્ણાટક, તમિલનાડુ, આસામ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર અને રાજસ્થાનમાં આ કંપનીઓને ત્યાં દરોડા પાડયા હતા. આના લીધે બંને કંપનીઓને થઈને કુલ હજાર કરોડનો દંડ થઈ શકે છે.
આવકવેરા વિભાગે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે દરોડાની કાર્યવાહીમાં ખુલાસો થયો છે કે બંને મુખ્ય કંપનીઓએ પોતાના અને વિદેશ સ્થિત ગ્રુપ કંપનીઓના હવાલા દ્વારા ભારતમાં ૬,૫૦૦ કરોડથી વધારે રકમ મોકલી હતી. આ ટ્રાન્ઝેક્શનને તેઓએ રોયલ્ટી પેટે થયેલી ચૂકવણી ગણાવી હતી.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે જણાવ્યું હતું કે કંપનીને ત્યાં પડેલા દરોડામાં મળેલા પુરાવા સાથે તેની આ વિગતો ક્યાંય મેચ થતી નથી. આ માટે આ કંપનીઓ દ્વારા મોબાઇલ હેન્ડસેટનું ઉત્પાદન કરવામાં આવે છે તેના ઉપકરણોની ખરીદીની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કર્યો હતો.
આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કંપનીઓએ આવકવેરા ધારા હેઠળના વિગતો જાહેર કરવાના નિયમ (ડિસ્ક્લોઝર ઓફ ટ્રાન્ઝેક્શન્સ) નું પાલન કર્યું નથી. તેઓએ એસોસિયેટ કંપની અને તેમની ગુ્રપ કંપની સાથેના નાણાકીય વ્યવહારો જણાવ્યા નથી. આ બદલ તેમની સામે હજાર કરોડ સુધીનો દંડ થઈ શકે છે.
કેન્દ્રીય એજન્સીએ જણાવ્યું હતું કે વિદેશી ભંડોળનો સ્ત્રોત પણ શંકાસ્પદ છે. દરોડામાં તે વાત સામે આવી છે કે ભારતીય કંપનીના હિસાબી ચોપડામાં જે રીતે વિદેશી ભંડોળને પ્રસ્તુત કરવામાં આવ્યું છે તેનાથી ખબર પડે છે કે આ રકમ શંકાસ્પદ રીતે અને રુટે મેળવાઈ છે. ઉલ્લેખનીય છે કે શાઓમી કંપનીને તેના વતન ચીનમાં પણ સરકારી અધિકારીઓએ સાણસામાં લીધી છે અને નિયમોનું પાલન ન કરવા બદલ દંડ કરવામાં આવ્યો છે.HS