ભારત એલએસી પર પશુપાલકોની મદદથી ચીનની ઘૂસણખોરી રોકશે
નવીદિલ્હી, ચીન ભારત સરહદે વિવાદાસ્પદ વિસ્તારોમાં મોડેલ ગામ બનાવીને દબાણ વધાર્યું છે. એવામાં ભારતે એલએસી પર પોતાના વિસ્તારો પર દાવો મજબૂત કરવા માટે પશુપાલકોની મદદ લીધી છે.
ભારતીય સૈન્ય એલએસી પર પશુપાલકોને તેમના પશુધનને એલએસી પર ગૌચર સુધી પહોંચાડી રહ્યા છે, જેથી ભારત આ ક્ષેત્રો પર તેમનો દાવો કરી શકશે. સૈન્ય આ પશુપાલકોને સલામતી પણ પૂરી પાડી રહ્યું છે અને જરૂરી મદદ પણ પૂરી પાડે છે. ચીન તેના પશુપાલકોની મદદથી એલએસીના વિવાદાસ્પદ સ્થળોએ જાસૂસી કરાવે છે. પશુપાલકોની સાથે આવીને ચીની સૈનિકો ભારતીય વિસ્તારો પર કબજાે જમાવવાના પ્રયાસ કરી રહ્યા છે.
આવી પરિસ્થિતિમાં હવે ભારતીય પશુપાલકો સૈન્યની આંખ અને કાન બની રહ્યા છે. કારગીલમાં પણ પશુપાલકોએ જ સૌથી પહેલા પાકિસ્તાની સૈન્યની મુવમેન્ટના સમાચાર આપી સૈન્યને એલર્ટ કરી હતી. એલએસી પર પણ ભારતીય સૈન્યને પશુપાલકો ચીની સૈનિકોની મુવમેન્ટની માહિતી આપે છે.
એલએસી પર અનેક એવા પોઈન્ટ છે, જેના પર ભારત અને ચીન બંને દેશ દાવો કરે છે. પૂર્વીય લદ્દાખમાં ગયા વર્ષે મે મહિનાથી ભારત અને ચીન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ છે, જે હજુ યથાવત્ છે. આવા સમયે ભારતીય સૈન્ય આ વિસ્તારમાં પશુપાલકોને તેમના પરંપરાગત ગૌચર સુધી પહોંચવામાં મદદ કરી રહ્યું છે. ચીની સૈનિકો આ વિસ્તારોમાં પોતાનો દાવો કરતાં પશુપાલકોને ભગાડી દે છે.
પરંતુ હવે ભારતીય સૈન્ય આ પશુપાલકોની મદદે આવ્યું છે. પશુપાલકોની મદદ માટે ભારતે અહીં મેડિકલ કેમ્પનું પણ આયોજન શરૂ કર્યું છે અને રાશનનું વિતરણ પણ કરી રહ્યું છે.HS