અભિનેતા જ્હોન અબ્રાહમ અને તેની પત્નીને કોરોના થયો
મુંબઈ, કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનના સામે આવ્યા બાદ દુનિયાભરમાં સરકારો એલર્ટ પર છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ દેશભરમાંથી સૌથી વધારે છે. અત્યાર સુધીમાં કેટલાય બોલિવુડ સેલેબ્સ કોરોનાની લપેટમાં આવી ચુક્યા છે જેમાં હાલનું નવું નામ જ્હોન અબ્રાહમ અને તેમની પત્ની પ્રિયા રુંચાલનું છે. જ્હોને સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, તે અને તેની પત્ની કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.
જ્હોન અબ્રાહમે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, ‘૩ દિવસ પહેલા હું એક વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો અને જેના વિશે મને પાછળથી ખબર પડી કે તે કોવિડ પોઝિટિવ હતા. હવે મને અને પ્રિયાને બંનેને કોરોના થઈ ગયો છે અને અમે ઘરમાં ક્વોરેન્ટાઈન થઈ ગયા છીએ. અમે કોઈના પણ સંપર્કમાં નથી. અમારું બંનેનું વેક્સિનેશન થઈ ચુક્યું છે અને ખૂબ જ હળવા લક્ષણો છે. તમે બધા તમારું ધ્યાન રાખો અને સુરક્ષિત રહો તથા માસ્ક પહેરી રાખો.’
બોલિવુડમાં છેલ્લા કેટલાક દિવસોમાં સીમા ખાન, કરીના કપૂર ખાન, અર્જૂન કપૂર, રિયા કપૂર, નોરા ફતેહી, મૃણાલ ઠાકુર વગેરે કોરોનાના શિકાર બની ચુક્યા છે. બેતાબ અને અર્જુન જેવી ફિલ્મોનું નિર્દેશન કરનાર રાહુલ રવૈલ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જે બાદ તેમણે પોતાને ક્વોરેન્ટાઈન કરી લીધા હતા.
મહારાષ્ટ્રમાં ૧૧,૮૭૭ નવા કોરોનાના કેસ નોંધાયા છે જેમાંથી ૮,૦૩૬ કેસ ખાલી મુંબઈના છે. દેશની રાજધાની દિલ્હીમાં રવિવારે પોઝિટિવિટી દર વધીને ૪.૫૯% પર પહોંચી ગયો છે. ઓમિક્રોનની વાત કરવામાં આવે તો તેના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ઓમિક્રોનના ૧,૭૦૩ દર્દીઓ સામે આવી ચુક્યા છે.SSS