હું ચૌધરી સમાજના મતોના કારણે જ વિજયી રહ્યો છુંઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદ, અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ચૌધરી સમાજ દ્વારા સ્નેહમિલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ આંજણા યુવક મંડળ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ સ્નેહમિલન કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ, બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી સહિતના ભાજપના અને ચૌધરી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચૌધરી સમાજને લઈને એક મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે એવું પણ કહી દીધું કે, ચૌધરી સમાજના મતના કારણે હું જીત્યો છું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંમેલનમાં નિવેદન કરતાં જણાવ્યું હતું કે, ચૌધરી સમાજ મહેનતુ સમાજ છે અને ચૌધરી સમાજ જેમ જેમ ભણશે તેમ તેમ તમામ ક્ષેત્રમાં આગળ વધતો જશે. આજે બનાસ ડેરીનો વિશ્વમાં ડંકો વાગે છે અને ઘાટલોડિયામાં ચૌધરી પટેલોએ જેને વોટ આપ્યા છે આજે મુખ્યમંત્રી બની ગયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવું પણ જણાવ્યું હતું કે, અમે તો સાકર જેવા છીએ અમને દૂધમાં ભેળવશો તો એવા થઈ જઈશું.
મહત્ત્વની વાત છે કે, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને નેતાઓ તમામ સમાજને વિધાનસભાની ચૂંટણી પહેલા રાજી કરવાની તૈયારી કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે, જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દરેક સમાજના સંમેલનો યોજાઇ રહ્યા છે.
અત્યાર સુધીમાં પાટીદાર સમાજ, કોળી સમાજ, ઠાકોર સમાજ અને દલિત સમાજના સામાજિક સંમેલનો યોજાઈ ચુક્યા છે. તેમાંથી મોટાભાગના સંમેલનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અથવા તો ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરી જાેવા મળી હોય તેવું પણ સામે આવી રહ્યું છે.
મહત્ત્વની વાત છે કે, રાજ્યમાં ચૂંટણી પહેલાં જ મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓને બદલી દેવામાં આવ્યા છે અને હાલ જે નવા મુખ્યમંત્રી છે તે પાટીદાર સમાજમાંથી આવી રહ્યા છે. તો રાજ્ય સરકારના મંત્રીમંડળમાં પણ તમામ સમાજાેને ધ્યાનમાં લઈને જ મંત્રીઓને જવાબદારી આપવામાં આવી છે. એવું પણ કહેવામા આવી રહ્યું છે કે, કોરોનાની બીજી લહેર દરમિયાન લોકોના મનમાં ખરાબ થયેલી રાજ્ય સરકારની છબીને સુધારવા માટે આખી સરકારને બદલી નાંખવામાં આવી છે.HS