ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટઃ 2265 કેસ નોંધાયા, અમદાવાદમાં એક જ દિવસમાં ડબલ થઈ 1290 કેસ
 
        અમદાવાદ, રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. 7 મહિના બાદ પહેલીવાર 2200થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2265 નવા કેસ નોંધાયા છે. એ પહેલા 29 મેના રોજ એટલાં કેસ હતા. અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં કેસમાં બમણો વધારો થઈને કુલ 1290 કેસ નોઁધાયા છે.
ત્યારે બોટાદ, છોટાઉદેપુર, નર્મદા, પાટણ અને પોરબંદરમાં જ કોરોનાના એકેય કેસ નોંધાયા નથી. જ્યારે રાજ્યના આરોગ્ય વિભાગનો અગ્ર સચિવ મનોજ અગ્રવાલ કોરોના સંક્રમિત થયા છે. તેઓ હોમ ક્વોરન્ટીન થયાં છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 37 હજાર 293ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 125 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 19 હજાર 287 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 7881 એક્ટિવ કેસ છે, જેમાંથી 18 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 7863 દર્દીની હાલત સ્થિર છે.
ગુજરાતમાં રોકેટગતિએ વધી રહેલા કોરોના કેસમાં એક નવું તથ્ય બહાર આવ્યું છે કે દર ત્રીજા દિવસે કેસ ડબલ થઈ રહ્યા છે. રસપ્રદ છે કે ગત માર્ચ-એપ્રિલ 2021માં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. આ રીતે જોઈએ તો 24 ડિસેમ્બરે ગુજરાતમાં કોરોના પોઝિટિવના નવા 98 કેસ નોંધાયા હતા.
આ આંકડો 26મીએ તેના ડબલ જેટલો વધી 177, 28મીએ તેના ડબલ થઈ 394 અને 30મીએ 573 તેના ડબલ જેટલો વધીને 1 જાન્યુઆરીએ 1069 થયો હતો. જોકે, હવે ડબલ થવાની ગતિ ધીરી પડી છે અને નજીવો વધારો થયો છે અને 1259 નવા કેસ નોંધાયા છે. 4 જાન્યુઆરીએ ડબલ જેટલા 2265 નવા કેસ થયા છે. જ્યારે 24 ડિસેમ્બર બાદ 12 દિવસે કેસમાં 188 ઘણો વધારો થયો છે અને 2265 થયા છે.

 
                 
                 
                