મોટી ખીલોરી પાસે બોલેરો કારનું ટાયર ફાટ્યુ-બે વ્યક્તિઓના મોત
કારનું ટાયર ફાટી જતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો જેના કારણે સામેથી આવી રહેલી કાર સાથે અથડાઈ
રાજકોટ, રાજકોટ જિલ્લાના ગોંડલ પાસે આવેલી મોટી ખીલોરી પ્રાથમિક શાળા પાસે અકસ્માતનો બનાવ બન્યો છે. અકસ્માતની ઘટનામાં જેતપુર થાણાગાલોલ રોડની એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ સિવાય બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામ પાસે વહેલી સવારે શાકભાજી ભરીને બોલેરો કાર જઈ રહી હતી. આ સમયે અલ્ટો કાર સાથે બોલેરો કાર ટકરાઈ હતી.
બોલેરો કારનું ટાયર મોટી ખીલોરી ગામની પ્રાથમિક શાળા પાસે ફાટી જતા બોલેરો ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે સામેથી આવી રહેલી અલ્ટો કાર સાથે તે ધડાકાભેર અથડાઈ હતી. બોલેરો કાર અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત થતા થાણાગાલોલ ગામના જયાબેન નામના ૭૧ વર્ષીય વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
જ્યારે કે ઇજાગ્રસ્ત વ્યક્તિઓને ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ પોલીસને તેમજ ૧૦૮ ઈમરજન્સી સેવાને કરતા તાત્કાલિક અસરથી પોલીસનો કાફલો તેમજ ૧૦૮ ઇમરજન્સી સેવાના અધિકારીઓએ એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા.
ઇજાગ્રસ્ત વ્યક્તિઓને એમ્બ્યુલન્સ મારફત ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતદેહને પીએમ માટે પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે સિંગલ પટ્ટી રોડ પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.
ત્યારે હાલ અકસ્માત મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી બોલેરો કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. થોડા દિવસો પહેલા મધ્યપ્રદેશમાં ખંડવા-વડોદરા હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. ખાનગી બસ ભુજથી વહેલી સવારે અલીરાજપુર જતી હતી. ત્યારે સવારે ચાંદપુર પાસે રેલિંગ તોડીને બસ નદીમાં ૧૫ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી.
જેમાં ૩ લોકોના મોત થયા હતા. જ્યારે ૨૮ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અલીરાજપુરની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ઘટનાની જાણ થતા જ અલીરાજપુરના કલેક્ટર મનોજ પુષ્પ તેમજ એસપી મનોજકુમાર સિંહ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.