‘સિવણ ક્લાસમાંથી ઘરે આવતા રોજ મોડું થતું હોય તો બંધ કરી દે’ કહેતા પુત્રીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/Sucide.jpg)
સુરત, સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા સરદાર નગરમાં રહેતા પિતાએ સિવણ કલાસમાંથી ઘરે આવતા રોજ મોડું થતું હોય તો છોડી દે કહેતા ૧૯ વર્ષીય દીકરીએ એકલતાનો લાભ લઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. સચિન જીઆઈડીસી પોલીસે ખુશ્બુ આપઘાત કેસમાં પોસ્ટમોર્ટમની દિશામાં કામગીરી કરી આગળની તપાસ હાથ ધરી છે.
અજયકુમાર પ્રસાદ (મૃતક દીકરીના પિતા) એ જણાવ્યું હતું કે તેઓ બિહારના વતની છે. વર્ષોથી સુરતમાં જ રહે છે. મિસા સિક્યુરિટીમાં સુપર વાઇઝર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા આવ્યા છે. ખુશ્બુ પરિવારની એક ની એક લાડકી દીકરી હતી.
ખુશ્બુના આપઘાતને લઈ પરિવાર આઘાતમાં સરી ગયો છે.મંગળવારે નાના દીકરાનો ફોન આવ્યો ને કહ્યું ડેડી ખુશ્બુ સિવણ ક્લાસમાંથી હજી આવી નથી, ૪૫ મિનિટ થઈ ગઈ, શુ કરું. બસ સાંભળી હોંશ ઉડી ગયા હતા. કંપનીનો ગેટ પાસ બનાવી ઘરે આવવા નીકળ્યો ને થોડી જ વારમાં ફરી ફોન આવ્યો ડેડી બહેન આવી ગઈ છે. થોડી ચિંતા ઓછી થઈ પણ ઘરે જઈને દીકરીને એટલું જ કહ્યું કે જાે રોજ રોજ મોડું થતું હોય તો સિવણ કલાસ બંધ કરી દે.
વધુમાં જણાવ્યું હતું કે પરિવાર ભોજન કરી છૂટો પડ્યો હતો. હું નોકરી પર જવા નીકળ્યો ને પત્ની ખુશ્બુને લઈ આરામ કરવા રૂમમાં ચાલી ગઈ હતી. લગભગ ૩-૪ની વચ્ચે પત્ની બાથરૂમ ગઈ પરત આવી તો દીકરી પંખા સાથે ફાંસો ખાય લટકી રહી હતી.
બુમાબુમ કરી દુપટ્ટો કાપી દીકરીને નીચે ઉતર્યા બાદ નજીકના દવાખાને લઈ જતા મૃત જાહેર કરી દેવાઈ હતી. હજી કંપનીના પ્રવેશ જ કરું છું ને પત્નીનો ફોન આવ્યો તમે જલ્દી ઘરે આવી જાઉં. બસ આ સાંભળી કંઈક અનહોનીના સંકેત આવી ગયા હતા. સચિન GIDC પોલીસે જણાવ્યું હતું કે ખુશ્બુ આપઘાત કેસમાં ફોન હોસ્પિટલમાંથી આવ્યો હતો. સ્થળ તપાસ ચાલે છે, પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરાઈ છે.HS