ઉત્તરાયણ નજીક આવતા નર્મદામાં ગોળના કોલા ધમધમી ઉઠ્યા
આ વર્ષે ૫ થી ૭ ટકાનો વધારો ભાવમાં જાેવા મળશે, ગત વર્ષે કોરોના-મજૂરોની અછતના પગલે ઓછું ઉત્પાદન થયું હતું
નર્મદા, ઉત્તરાયણ પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે નર્મદા જિલ્લામાં ગોળના કોલા ધમધમી ઉઠ્યા છે. આકાશી પર્વ ઉત્તરાયણ નિમિત્તે પતંગની સાથે ગોળની ચીકી ખાવાની પરંપરા છે. ત્યારે હાલ નર્મદા જિલ્લામાં દેશી કેમિકલ વગરના ગોળ બનાવવાના કોલા ઉપર ભારે ધમધમાટ ચાલી રહ્યો છે.
રાત દિવસ કલાકો સુધી કેમિકલ વગરનો ગોળ બની રહ્યો છે. આ ગોળ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ વેચાણ અર્થે જતો હોય છે. ઉત્તરાયણ પહેલા આ ગોળના કોલામાં ગોળ બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જાેકે આ વર્ષે શેરડીનું ઉત્પાદન મોટી માત્રામાં થયું છે.
જેથી ગોળનું ઉત્પાદન પણ થઈ રહ્યું છે. ૩ માસ સુધી આ ગોળ બનાવવાની કામગીરી ચાલતી હોય છે. મોટાભાગના વેપારીઓ આ ગોળ ઉત્તરાયણમાં જ વેચે છે. જ્યારે બાકીના ગોળને કોલ્ડ સ્ટોરેજમાં મૂકીને બારેમાસ વેચવામાં આવતો હોય છે. આ ગોળ બનાવતા મજૂરો મહારાષ્ટ્ર અને યુ.પીમાંથી આવતા હોય છે.
ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૫ થી ૭ ટકાનો વધારો ભાવમાં જાેવા મળશે. ગત વર્ષે કોરોના કાળના સંક્રમણ અને મજૂરોની અછતના પગલે ઓછું ઉત્પાદન થયું હતું. આ વખતે સારા ઉત્પાદનની આશા વેપારીઓ સેવી રહ્યા છે. જાેકે કમોસમી વરસાદના પગલે ૧ મહિના મોડા કોલા શરૂ થયા છે.
તો બીજી બાજુ આ ગોળની ડિમાન્ડમાં પણ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આ ગોળ બનાવવા માટે શેરડીના નાના ટુકડા કરીને સળગતી ભઠ્ઠીમાં તેને નાંખીને રસ કાઢવામાં આવે છે. આ રસને મોટા બકેટમાં ઠંડા કરવામા આવે છે. ત્યાર બાદ આ રસને શુદ્ધ ગરણા વડે ગાળીને અન્ય બકેટમાં લેવામાં આવે છે
. આ ગોળને ઓછા તાપમાને ગરમ કરીને ચોસલા કે ગોળ ડબ્બા આકારમાં કિલો બે કિલો ૪ કિલો એ પ્રકારે બીબામાં ઠારવામાં આવે છે. ત્યાર બાદ તેને બોક્સમાં પેકિંગ કરવામાં આવે છે તેવુ ગોળ બનાવનાર વેપારી રસિક સાવલિયાએ જણાવ્યું હતુ.