આમોદ પાસે એસ.ટી બસ- ટ્રક ધડાકાભેર ભટકાતાં બસમાં બેઠેલા 9 મુસાફરો ઈજાગ્રસ્ત

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) જંબુસરથી ભરૂચ જવા નીકળેલી એસ.ટી. બસ આમોદ પાસે હોટેલ ડિસેન્ટ નજીક ટ્રક સાથે ધડાકાભેર ભટકાતાં બસમાં બેઠેલા મુસાફરો પૈકી નવ લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી.જ્યારે ટ્રક ચાલકને ફેક્ચર થઈ ગયું હતું.જેને પ્રાથમિક સારવાર જંબુસર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યો હતો.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જંબુસર એસ.ટી.ડેપો માંથી ટંકારી બંદર ગામના એસ.ટી.બસના ડ્રાઈવર ઉદેસંગ ભગાભાઈ પરમાર બસ લઈને જંબુસરથી ભરૂચ જવા માટે નીકળ્યા હતાં.તેમજ એસ.ટી બસમાં ૪૮ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા.
ત્યારે આમોદ નજીક ડિસેન્ટ હોટેલ પાસે સામેથી આવતાં ટ્રક ચાલકે પોતાના કબજા માની ટ્રક ગફલતભરી રીતે હંકારી લાવતાં એસ.ટી.બસ સાથે ધડાકાભેર અકસ્માત થયો હતો.અકસ્માતને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો.ધડાકાભેર થયેલા અકસ્માતમાં ટ્રકના પૈડાં પણ બહાર નીકળી ગયા હતાં.તેમજ ટ્રક ચાલકને મહા મુસીબતે રાહદારીઓએ ટ્રક માંથી ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યો હતો.જ્યારે એસ.ટી.બસને પણ નુકશાન થયું હતું.
બસમાં બેઠેલા મુસાફરો પૈકી નવ લોકોને નાની મોટી ઇજાઓ થઈ હતી.જયારે ટ્રક ચાલકને ૧૦૮ મારફતે જંબુસર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જયાં તેની સારવારમાં તેને પગ તથા થાપા ના ભાગે ફેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું હતું.ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યો હતો.
જયારે એસ.ટી.બસના ઈજાગ્રસ્ત મુસાફરોને આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી. ઈજાગ્રસ્ત મુસાફરોની યાદી. ઃ ૧) અશ્વિન.પી.વસાવા રહે.આછોદ, ૨) મહેજબીન ઈકબાલ નાથા રહે.મછાસરા, ૩) શબીના મુસ્તાક રહે.મછાસરા, ૪) ક્રિષ્ણા લીંબચીયા રહે.આમોદ, ૫) શરીફા કેસરીસિંહ રાજ રહે. આમોદ ,૬) મુબારક પઠાણ રહે.જંબુસર, ૭) ઝુબેદા હનીફ રહે.સુરત, ૮) યાસ્મીન મન્સૂરી રહે.સુરત, ૯) મહંમદ તૌસિફ હનીફ રહે.સુરતનો સમાવેશ થાય છે.*