ટ્રાફિક જામથી મોટી સંખ્યામાં લોકોએ રાત રસ્તા પર વિતાવી
મનાલી, મનાલી- બુધવારે સાંજે મનાલીમાં હિમવર્ષા થવાને કારણે ત્યાં જતા રસ્તા પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. ટ્રાફિક જામને કારણે મહિલાઓ અને બાળકો સહિત સેંકડોની સંખ્યામાં પ્રવાસીઓએ રોડ પર રાત પસાર કરવી પડી હતી. લગભગ ૨૦ ટૂરિસ્ટ બસ સહિત મોટી સંખ્યામાં વાહનો કુલ્લુ અને મનાલી વચ્ચેના રસ્તામાં ફસાયા હતા. ઉલ્લેખનીય છે કે ૧૦ સેન્ટીમીટર હિમવર્ષાને કારણે લોકો રસ્તા પર રાત પસાર કરવા મજબૂર બન્યા હતા.
બરફ પડ્યો હોવાને કારણે ઢાળવાળા રસ્તા પરથી વાહનો પસાર નહોતા થઈ શકતા, જેના કારણે અનેક કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. અમુક પ્રવાસીઓએ પોતાના વાહનો રસ્તા પર જ મૂકી દીધા અને લોકલ ટેક્સીની મદદથી પોતાની હોટલ પહોંચ્યા હતા. જ્યારે ઘણાં પ્રવાસીઓ પોતાના સામાનની સાથે બરફ વાળા રસ્તા પરથી ચાલીને હોટલ સુધી પહોંચ્યા હતા. પરંતુ જે લોકો મનાલીથી પોતાના ઘરે જઈ રહ્યા હતા તેમના માટે વાહનોમાં રોકાઈને રાહ જાેવા સિવાય કોઈ વિકલ્પ બાકી નહોતો.
દિલ્હીના રહેવાસી અંશુમન જૈન જણાવે છે કે, મનાલી ૧૫ કિલોમીટર દૂર હતું ત્યારે બરફ પડતો જાેઈને અમે ખુશ થઈ ગયા હતા. પરંતુ હજી તો મનાલી ૧૫ કિમી દૂર હતુ ત્યારે રસ્તા અત્યંત લપસણા થઈ ગયા અને વાહન ચલાવવું મુશ્કેલ બની ગયુ હતું. તે રસ્તા પરથી પસાર થવામાં અમને લગભગ બે કલાકનો સમય લાગ્યો અને પછી અમે ટ્રાફિક જામમાં ફસાઈ ગયા. રાત્રે લગભગ સાડા અગિયાર વાગ્યે અમે કાર ત્યાં જ મૂકીને ચાલીને મનાલી પહોંચવાનું નક્કી કર્યું.
મેં મારી દીકરીને કેડમાં ઉંચકી લીધી અને અમે આગળ વધ્યા. બીજા પણ અનેક પ્રવાસીઓ અમારી જેમ ચાલતા જાેવા મળ્યા. રાત્રે લગભગ બે વાગ્યે અમે હોટલ પહોંચ્યા. અમારા જૂતા અને કપડા સંપૂર્ણપણે પલળી ગયા હતા. મનાલી પાસેના હાઈવે પર શુક્રવારના રોજ આખા દિવસ દરમિયાન જામ જાેવા મળ્યો.
વાતાવરણ સારું થયું તો લગભગ તમામ મુસાફરો મનાલીથી પોતાના ઘરે જવા નીકળ્યા, જેના કારણે રસ્તા વ્યસ્ત જાેવા મળ્યા. જાે કે, હજી પણ મોટી સંખ્યામાં લોકો મનાલી તરફ જતા જાેવા મળ્યા. ઉલ્લેખનીય છે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા તાજેતરમાં જ નેશનલ હાઈવે નંબર ૩ પર કુલ્લુ-મનાલીના પટ્ટાને પહોળો કરવામાં આવ્યો.
પરંતુ ઢોળાવ વાળા રસ્તાઓ અને વળાંકોને કારણે અકસ્માતોની સંખ્યા પણ વધી છે અને થોડી હિમવર્ષા થાય તેમાં પણ રસ્તા ઉપયોગી નથી રહેતા. ઉલ્લેખનીય છે કે શિમલાના હવામા વિભાગ દ્વારા શનિવાર અને રવિવાર માટે યલો એલર્ટ જાહેર કરીને હિમવર્ષાની આગાહી કરવામાં આવી હતી.
રાજ્યમાં લગભગ ૩૫૩ રસ્તા બરફને કારણે બ્લોક થઈ ગયા છે. રાજ્યના ઘણાં વિસ્તારોમાં પાછલા ૪૮ કલાકમાં ભારે હિમવર્ષા થઈ છે. અટલ ટનલના સાઉથ પોર્ટલ પાસે લગભગ ૧૫૦ સેન્ટીમીટર બરફ નોંધાયો હતો. મનાલી પાસે આવેલ સોલાંગ વેલીમાં ૬૦ સેમી જ્યારે મનાલીમાં ૧૪ સેમી બરફ નોંધાયો હતો. કાંગરામાં સ્થિત બારા ભાંગલમાં ૬૦ સેમી, કિન્નોરમાં આવેલ રકછમ અને સાંગલામાં ૪૫થી ૬૦ સેમી, કુલ્લુમાં જલોરી અને ગુલાબામાં ૯૦ સેમી બરફ નોંધાયો છે.SSS