પ્રતિબંધોથી દસ દિવસમાં વેપારમાં ૪૫ ટકાનો ઘટાડો
નવી દિલ્હી, દેશમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ ગઈ હોવાની આશંકા છે.કારણકે કોરોનાના કેસમાં ભારે ઉછાળો જાેવા મળી રહ્યો છે. જેની અસર દેશની ઈકોનોમી પર દેખાવાની શરુ થઈ ગઈ છે.દેશના વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે કેન્દ્ર સરકાર તેમજ રાજ્યના તમામ મુખ્યમંત્રીઓને કહ્યુ છે કે, કોરોનાથી બચવા માટે તમામ પગલા ભરવા જાેઈએ પણ સાથે સાથે વેપારી પ્રવૃત્તિઓ અને આર્થિક ગતિવિધિઓ ચાલતી રહે તે બાબતને ધ્યાનમાં રાખવામાં આવે તો વધારે સારુ રહેશે.
કેટના રાષ્ટ્રિય અધ્યક્ષ બી સી ભરતીયા તેમજ મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યુ હતુ કે, અલગ અલગ પ્રકારના પ્રતિબંધો લાગુ થયા બાદ છેલ્લા દસ દિવસમાં દેશમાં વેપારમાં ૪૫ ટકાનો ઘટાડો થયો છે.શહેર બહારથી આવનાર ખરીદનારા આવી રહ્યા નથી અને રિટેલ ખીદી પર પણ અસર પડવા માંડી છે.
કેટ દ્વારા ૩૬ શહેરોમાં વેપારીઓ પર સર્વે કરવામાં આવ્યો હતો અને તેમાં જાણવા મળ્યુ છે કે, વેપારમાં ૪૫ ટકાનો ઘટાડો જાેવા મળ્યો છે.જેની પાછળનુ કારણ કોરોનાની ત્રીજી લહેરથી લોકોમાં ગભરાટ, બહારગામની ખરીદીમાં ઘટાડો, વેપારીઓ પાસે પૈસાની તંગી અને ઉધારમાં ફસાયેલા પૈસા જેવા કારણો જવાબદાર છે.
કેટના મતે અલગ અલગ વેપારમાં થયેલો ઘટાડો આ મુજબ છે. એફએમસીજી ૩૫ ટકા, ઈલેક્ટ્રોનિક્સ ૪૫ ટકા, ફૂટવેર ૬૦ ટકા, જ્વેલરી ૩૦ ટકા, રમકડા ૬૫ ટકા, ગિફ્ટ આઈટમ ૬૫ ટકા, મોબાઈલ ૫૦ ટકા, બિલ્ડર હાર્ડવેર ૪૦ ટકા, સેનેટરી વેર ૫૦ ટકા, કપડા ૩૦ ટકા, કોસ્મેટિક ૨૫ ટકા, ફર્નિચર ૪૦ ટકા, ઈલેક્ટ્રિકલ ૩૫ ટકા, સુટકેસ લગેજ ૪૫ ટકા, અનાજ ૨૦ ટકા, રસોઈ ઉપકરણો૪૫ ટકા, ઘડિયાળો ૩૫ ટકા, કોમ્પ્યુટર ૩૦ ટકા, સ્ટેશનરી ૩૫ ટકા. કેટનુ કહેવુ છે કે, આગામી લગ્નસરાની સીઝનના વેપારમાં પણ ૨.૭૫ લાખ કરોડનો ઘટાડો થશે તેવુ અનુમાન છે.SSS