પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં 14 ફેબ્રુઆરીએ એક જ તબકકામાં મતદાન
* ઉત્તરપ્રદેશમાં 10, 14, 20, 23, 27 ફેબ્રુઆરી અને 3 તથા 7 માર્ચના 7 તબકકામાં મતદાન, મણીપુરમાં 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે બે તકકકે મતદાન :
* સૌપ્રથમ વખત ઉમેદવારો ઓનલાઇન ઉમેદવારી નોંધાવી શકશે : 80 વર્ષથી ઉપર તથા કોરોના દર્દી માટે ઘરેથી મતદાન શકય
નવી દિલ્હી, ઉત્તરપ્રદેશ સહિત દેશના પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. તા. 10 ફેબ્રુઆરી થી 7 માર્ચ દરમ્યાન 7 તબકકામાં ચૂંટણી મતદાન યોજાશે અને 10મી માર્ચે તમામ રાજયોમાં એક સાથે મત ગણતરી હાથ ધરવામાં આવશે.
403 બેઠકો ધરાવતા સૌથી મોટા રાજય એવા ઉતરપ્રદેશમાં 7 તબકકામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબકકો 10 ફેબ્રુઆરી બીજા તબકકામાં 14 ફેબ્રુઆરી, ત્રીજા તબકકામાં 20 ફેબ્રુઆરી, ચોથા તબકકામાં 23 ફેબ્રુઆરી, પાંચમા તબકકામાં 27 ફેબ્રુઆરી, છઠ્ઠા તબકકામાં 3 માર્ચ તથા 7મા તબકકામાં 7 માર્ચના રોજ ચૂંટણી યોજાશે.
મણીપુરમાં બે તબકકે ચૂંટણી યોજવામાં આવશે. 60 બેઠકો ધરાવતા રાજયમાં પ્રથમ તબકકાની ચૂંટણી 27 માર્ચે તથા બીજા તબકકાની ચૂંટણી 3 માર્ચે યોજવામાં આવશે. ગોવા, પંજાબ તથા ઉતરાખંડમાં 14 ફેબ્રુઆરીએ એક જ તબકકામાં મતદાન યોજવાનું ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ગોવામાં વિધાનસભાની 40 બેઠકો છે. જયારે પંજાબમાં 117 અને ઉતરાખંડમાં 70 બેઠકો છે.
પાંચેય રાજયોમાં 10મી માર્ચે મત ગણતરી યોજવામાં આવશે. ચૂંટણી પંચે તા. 15 જાન્યુઆરી સુધી તમામ પ્રકારના જાહેર પ્રચાર પર પ્રતિબંધ મુકી દીધો છે. રેલી, નુકકડ સભા, પદયાત્રા કે બાઇક રેલી યોજી શકાશે નહીં. જયારે ઘર ઘર પ્રચાર માટે પાંચ સભ્યોથી વધુ જઇ શકશે નહીં ચૂંટણી પંચે મતદાન એક કલાક વધાર્યો છે.
આ ઉપરાંત ઉમેદવારી પત્રક ભરવા માટે ચૂંટણી પંચ ડિજીટલ એપ જાહેર કરશે અને ઉમેદવાર ઓનલાઇન ઉમેદારી કરી શકશે. ચૂંટણી પંચ દ્વારા 80 વર્ષ કે તેથી વધુના વૃધ્ધો કે દિવ્યાંગો માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ચૂંટણી પંચે જાહેર કર્યુ છે કે રાજકીય પક્ષોને શકય તેટલો વધુ ડીજીટલ પ્રચાર કરવા જણાવાયું છે અને તા.15 જાન્યુઆરી પછી કોવિડની સ્થિતિ જોયા બાદ ચૂંટણી પંચ રેલીઓ અને સભાઓ અંગે નિર્ણય લેશે. ચૂંટણી કાર્યમાં જોડાયેલા તમામ કર્મચારીઓને ફ્રન્ટલાઇન વર્કર તરીકે જાહેર કર્યા છે અને તેઓને કોરોનાના બે ડોઝ ઉપરાંત જરૂર પડે બુસ્ટર ડોઝ પણ અપાશે.
– તા. 15 જાન્યુઆરી સુધી તમામ ચૂંટણી રેલી, સભાઓ, પદયાત્રાઓ, નુકકડ સભા, બાઇક રેલી પર પ્રતિબંધ, ઘર ઘર પ્રચારમાં પાંચ વ્યકિતથી વધુ નહીં જઇ શકે.
પરિસ્થિતિ જોયા બાદ ચૂંટણી પંચ 15 જાન્યુઆરી પછી આ અંગે વધારે નિર્ણય લેશે.
– ઉમેદારીપત્રક ઓનલાઇન ભરી શકાશે, ચૂંટણી પંચ ખાસ એપ લોન્ચ કરશે.
– સોશ્યલ મીડીયા પોસ્ટ પર ખાસ નજર રહેશે, હેટ સ્પીચને માન્ય નહીં રખાય
– ચૂંટણી અધિકારીઓ અને કર્મચારીઓને ફ્રન્ટલાઇન વર્કર મનાશે તમામને ફુલ્લી વેકસીનેટેડ અને પ્રિકોશન ડોઝ અપાશે
– 80+ વૃધ્ધો અને કોવિડ પ્રભાવિતોને પોસ્ટલ બેલેટની સુવિધા અપાશે
– મતદાનના સમયમાં 1 કલાકનો વધારો