લાલ બસોમાં વેક્સિન સર્ટીફિકેટના ચેકીંગમાં ઢીલાશ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, આરંભે શૂરા આપણે ત્યાં એવી કહેવત છે. કોરોનાને લઈને શરૂઆતના બે-ચાર દિવસો ભારે ઉહાપોહ મચ્યો. વેક્સિન ન લીધી હોય તો બસમાંથી પેસેન્જર ઉતારી દેવા સુધીની ઘટના પ્રકાશમા આવી હતી. પરંતુ હવે જાણે કે ઠંડુ પાણી ફરી વળ્યુ હોય તેમ લાલ બસોમાં વેક્સિનના બે ડોઝ લીધા હોવાનું ચેકીંંગ થતુ નથી.
પ્રથમ બે-ત્રણ દિવસ ટ્રાન્સપોર્ટની બસોમાં ચેકીંગ હાથ ધરાયુ પછી આ વાત અભરાઈએ મુકી દેવાઈ છે. સ્વાભાવિક છે કે રાજ્યમાં હજુ ઘણા લોકોએ વેક્સિનના ડોઝ લીધા જ નથી. વહીવટી તંત્ર તરફથી લોકોને વારંવાર અપીલ કરાય છે.
સરકાર તરફથી વિનામૂલ્યેે સુવિધા ઉપલબ્ધ હોવા છતાં નાગરીકો વેક્સિન લેતા નથી. આ પ્રકારના નાગરીકો પોતાના માટે ખતરો ઉભો કરે છે. પરંતુ સાથે સાથે કોરોનાને વધુ ફેલાવવા માટે જવાબદાર ગણી શકાય.
રાષ્ટ્રની જેેટલી નાગરીક પ્રત્યે જવાબદારી છે એટલી જ નાગરીકની પણ રાષ્ટ્ર પ્રત્યે જવાબદારી ગણી શકાય. પરંતુ કોરોના વેક્સિનના બંન્ને ડોઝ નહીં લેનારા નાગરીકો બેજવાબદાર રીતે ફરી રહ્યા છે એવું જરૂર કહી શકાય.
બસમાં મુસાફરોના વેક્સિનના સર્ટીફિકેટનુૃં ચેકીંગ થતુ હોય તો ઓટોરીક્ષાઓની વાત બાજુ પર રહી જાય છે. ખરેખર તો ગ્રાઉન્ડ ટીમોને તૈયાર કરીને વિદ્યુતવેગે ચેકીંગ શરૂ કરાય તો વેક્સિન લીધા વિના ફરતા ઘણા મુસાફરો ઝડપાઈ શકે તેમ છે.
લાલબસ-બીઆરટીએસમાં ચેકીંગ વધુ સઘન બનાવવુૃ જરૂરી છે. દેશના તજજ્ઞો -ડોક્ટરો આગામી દિવસોમાં કોરોના વધુ ઝડપથી ફેલાશે એવી ચેતવણી આપી રહ્યા છે ત્યારે આગામી એક-દોઢ મહિના સુધી વધારે જાગૃત થવાની જરૂર જણાય છે.