વડોદરામાં ધન્વંતરિ રથોની સંખ્યા ૩૪ થી વધારીને ૫૨ કરવામાં આવી
 
        (માહિતી) વડોદરા, કોરોના ના વધતા વ્યાપને અનુલક્ષીને શહેરીજનો ને ઘરની સમીપ આરોગ્ય સેવાઓ સરળતા થી મળી રહે અને આરોગ્ય તકેદારી વધુ સઘન બને તે માટે મ્યુનિસીપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલે મ્યુનિસીપલ વિસ્તારમાં ધન્વંતરિ રથો વધારવા સૂચના આપી છે. વમપાના આરોગ્ય અમલદાર ડો.દેવેશ પટેલે જણાવ્યું છે કે તેના અનુસંધાને કાર્યરત ધન્વંતરિ રથોની સંખ્યા ૩૪ થી વધારીને ૫૨ કરવામાં આવી છે.
આ રથોની આરોગ્ય સેવાઓની વિગતો આપતાં તેમણે જણાવ્યું કે પોઝિટિવ કેસો ધરાવતા અને આસપાસના લક્ષિત વિસ્તારોમાં આ રથો દ્વારા સંભવિત લક્ષણો માટે ૧૭૪૭૨ લોકોને તપાસવામાં આવ્યા છે.તે પૈકી લક્ષણો ધરાવતા ૩૨૫૫ લોકોને સ્થળ સારવાર આપવામાં આવી છે.જ્યારે લક્ષણો ધરાવતા ૮૪ વ્યક્તિઓને રીફર કરીને તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો છે.
તે જ રીતે સંજીવની ટીમોની સંખ્યા ૬૮ થી વધારીને ૭૭ કરવામાં આવી છે.આ ટીમો દ્વારા પ્રત્યેક ઘર સારવાર હેઠળના વ્યક્તિની રૂબરૂ મુલાકાત અને ટેલીફોનીક સંવાદ દ્વારા સંભાળ લેવામાં આવી રહી છે.અત્યાર સુધીમાં આ ટીમો એ ૫૮૧૮ મુલાકાતો લીધી છે અને જે પ્રમાણે કેસોનું ભારણ વધશે તે પ્રમાણે ટીમો ની સંખ્યા વધારવાનું આયોજન કરવામાં આવશે.
ઘર મુલાકાત દ્વારા આરોગ્ય તકેદારીના ભાગરૂપે ૪૦૧૭૭૭ ઘરો ની મુલાકાત લઈને ૧૫૯૨૭૭૨ લોકોને સેવા હેઠળ આવરી લેવામાં આવ્યા છે.તે દરમિયાન લક્ષણો ધરાવતા ૧૫૭૧ લોકોની ઓળખ કરીને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે તેમને સારવાર આપવામાં આવી છે.જ્યારે ૫૧૬ લોકોને ઉપલી કક્ષાના દવાખાનાઓમાં મોકલવામાં આવ્યા છે. આ પ્રવૃત્તિઓ હેઠળ એન્ટીજન અને આર્ટિપિશિઆર એ બંને પ્રકારના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.

 
                 
                 
                