અનુસૂચિત જાતિ-પછાતવર્ગોના આર્થિક ઉત્કર્ષ માટે કાર્ય કરતી વ્યક્તિઓ/સંસ્થાઓની કામગીરીને એવોર્ડથી સન્માનિત કરાશે

Ø રાજ્યની અનુ.જાતિ કલ્યાણની કચેરી દ્વારા અરજીઓ મંગાવવામાં આવી
અનુસૂચિત જાતિ તેમજ પછાતવર્ગોના આર્થિક ઉત્કર્ષ માટે કાર્ય કરતીવ્યક્તિઓ/સંસ્થાઓની કામગીરીને પ્રોત્સાહિત કરવા માટે તેમને રાજ્ય સરકાર દ્વારા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે જે અંતર્ગત રાજ્યની અનુ.જાતિ કલ્યાણની કચેરી દ્વારા અરજીઓ મંગાવવામાં આવી છે.
રાજ્યની અનુસૂચિત જાતિનીવ્યકિત ડો.બાબાસાહેબ આંબેડકર એવોર્ડ માટે તેમજ મુંબઇ પબ્લીક ટ્રસ્ટ એકટ કે ગુજરાત સહકારી મંડળીઓના કાયદા હેઠળ નોંધાયેલ અનુસૂચિત જાતિની સંસ્થાઓ મહાત્મા ગાંધી એવોર્ડ માટે અરજી કરી શકશે. આ બંને એવોર્ડ માટે રૂપિયા બે-બે લાખના પુરસ્કાર આપવામાં આવશે.
તેવી જ રીતે અનુસૂચિત જાતિના સાહિત્યકારોસંતશ્રી કબીર સાહિત્ય એવોર્ડ માટે અને અનુસૂચિત જાતિની મહિલા કલા/સાહિત્ય/ હસ્તકલાકાર ક્ષેત્ર માટે સાવિત્રીબાઇ ફુલે મહિલા/કલાસાહિત્ય એવોર્ડ માટે અરજી કરી શકશે. આ બંને એવોર્ડ માટે એક-એક લાખ રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવશે.
તદુપરાંત અનુસૂચિત જાતિના પત્રકારો મહાત્મા ફૂલે શ્રેષ્ઠ પત્રકાર એવોર્ડ તેમજ અનુસૂચિત જાતિના સાહિત્યકારો દાસીજીવણ શ્રેષ્ઠ સાહિત્યકૃતિ એવોર્ડ માટે અરજી કરી શકશે. આ બંને એવોર્ડ માટે પચાસ-પચાસ હજાર રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવશે. સાહિત્યકારોએ પોતાની શ્રેષ્ઠ અનુસૂચિત જાતિ સાહિત્યકૃતિની સાત નકલ અરજી સાથે રજુ કરવાની રહેશે.
આ અંગે વધુ વિગતો માટે નિયામકશ્રી, અનુ.જાતિ, કલ્યાણની કચેરી તેમજ જે તે જિલ્લાની નાયબ નિયામકશ્રી, અનુ.જાતિ કલ્યાણની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. એવોર્ડ અંગેના અરજીપત્રક https://sje.gujarat.gov.in/dscw પરથી મેળવી શકાશે તેમ અનુ.જાતિ કલ્યાણ નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.