પોલીસની મુંઝવણ: લોકોને વેક્સિન માટે કોલ કરીએ કે ક્રાઈમ ડીટેક્શન ?
(એજન્સી) અમદાવાદ, કોરોનાથી બચવા માટે એક માત્ર વેક્સિનેશન જ રામબાણ ઈલાજ છે પરંતુ કેટલાક નાસમજ લોકો આ સત્ય હકીકતને સ્વીકારવા તૈયાર જ થતા નથી જેના કારણે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસને હથિયાર બનાવીને વેક્સિન ફરજિયાત લેવા માટે દબાણ કરી રહી છે.
જે અમદાવાદીઓએ વેક્સિનનો સેકન્ડ ડોઝ નથી લીધો તેમને ફોન કરવાની જવાબદારી પોલીસને સોંપાઈ છે જેના કારણે પોલીસ વિભાગમાં ભારેથી ભારે નારાજગી જાેવા મળી રહી છે. પોલીસના માથે થોપાયેલી આ વધારાની ડયુટીના કારણે તેઓ પોતાની જાતને કોલ સેન્ટરમાં કામ કરતા કર્મચારી હોય તેવું માની રહ્યા છે. શહેરના દરેક પોલીસ સ્ટેશનના કર્મચારીઓ રોજ ૩૦૦થી વધુ અમદાવાદીઓને કોલ કરીને બીજાે ડોઝ લઈ લેવા માટે અપી લકરી રહ્યા છે.
ક્રાઈમનું ડીટેકશન, ઘટનાનું ઈન્વસ્ટિગેશન તેમજ હાથમાં ડંડો અને લાલ આંખ કરીને આરોપીઓ પાસેથી ગુનાની કબુલાત કરાવનાર પોલીસ કર્મચારીઓ હવે કોલ સેન્ટરની જેમ વેક્સિનનો બીજાે ડોઝ નહી લેનાર અમદાવાદીઓને સર અને મેમ કહીને ફોન કરવાની કામગીરીથી કંટાળી ગયા હોવાના તથ્યો સામે આવ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અંદાજે છ લાખ નાગરિકોનું લિસ્ટ પોલીસ વિભાગને આપ્યું હતું અને તમામને વેક્સિનનો બીજાે ડોઝ લેવા માટે ફોન કરવાનું કહ્યું છે.
કોરોનાની બીજી લહેર શાંત થતાંની સાથે જ ત્રીજી લહેરની સુનામી એવી આવી છે કે રોજે રોજ સંક્રમિતોની સંખ્યા ડબલ થઈ રહી છે. વધતા જતા કોરોના કેસોને ધ્યાનમાં રાખતા વેક્સિન એક માત્ર ઉપાય હોવાનો તંત્ર દાવો કરી રહ્યું છે.
જેને પગલે તેમને વધુને વધુ લોકોને બીજાે ડોઝ અપાવવા માટે એક્ટિવ થયા છે અને જે લોકોએ વેક્સિનના બંને ડોઝ નથી લીધા તેવા લોકોને પણ વિનંતી કરી રહ્યા છે. પહેલા તંત્રએ બીજાે ડોઝ નહીં લેનાર લોકોને મેસેજ કરીને બીજાે ડોઝ લેવા માટેની જાણકારી આપી હતી તેમ છતાંય લોકો નહીં માનતા હવે કોર્પોરેશને પોલીસની મદદ લેવાની જરૂર પડી છે.
રાજયમાં કોરોનાના કેસો હવે સતત વધી રહ્યા છે. જેમાં ખાસ કરીને અમદાવાદમાં સૌથી વધુ કેસો નોંધાયા છે કોરોનાથી બચવા માટે વેક્સિનેશન એક જ ઉપાય છે ત્યારે લોકો વેક્સિનના બંને ડોઝ લે, તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેક્સિનેશન કાર્યક્રમ અને લોકોને બીજાે ડોઝ લેવા માટે જાણ કરવામાં આવી હતી.
પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખૂબ પ્રયત્નો પછી પણ લોકો વેક્સિન લેતા નહોતા. જેને પગલે લોકો ડરીને વેક્સિન લે તેના માટે કોર્પોરેશને પોલીસનો સહારો લીધો છે. જે નાગરિકોએ બીજાે ડોઝ નથી લીધો તવા છ લાખ લોકોનું લિસ્ટ મ્યુનિસિપલ કોર્પોરેશને પોલીસને આપ્યુ છે.
પોલીસે જે તે વિસ્તાર પ્રમાણેનું લિસ્ટ જે તે પોલીસ સ્ટેશનમાં મોકલી આપ્યું છે. પોલીસ સ્ટેશનના પીઆઈએ બે પોલીસ કર્મચારીઓને ફોન કરવાની જવાબદારી આપી છે. બે પોલીસ કર્મચારીઓ જયારે પોલીસ સ્ટેશનમાં ડ્યુટી પર આવે ત્યારે તેઓ સીધા પોતાની કામગીરી કરવાને બદલે મોબાઈલ ફોનથી અમદાવાદીઓને ફોન કરવાનું શરૂ કરી દે છે.NR