આસામના રાજ્યપાલ જગદીશ મુખીને પણ કોરોના થયો
ગોવાહાટી, દેશમાં કોરોના વાયરસ તેનો કાળો કેર વર્તાઇ રહ્યો છે. એક પછી એક લોકોને તે તેની ચપેટમાં લઈ રહ્યો છે. સામાન્ય જનતાથી લઈને મોટા મોટા સ્ટાર્સ અને રાજનેતાઓ આ વાયરલની ચપેટમાં આવી રહ્યા છે. ત્યારે આવામાં વધુ એક નામ ઉમેરાયું છે. આસામના રાજ્યપાલ જગદીશ મુખીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં દાખલ થયા છે. આ વિષે એક અધિકારીએ માહિતી આપી છે.
અધિકારીએ જણાવ્યું કે જગદીશ મુખીને બુધવારે ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ હતી. “ગવર્નરને ગઈકાલે સાંજે શહેરની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સ્થિતિ સ્થિર છે,” તેમણે જણાવ્યું હતું. રાજ્યપાલની પત્નીમાં ચેપની પુષ્ટિ થઈ નથી અને તે રાજભવનમાં છે.
આપને જણાવી દઈએ કે, ભારતમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨,૪૭,૪૧૭ કેસ નોંધાયા છે, મે ૨૦૨૧ પછી પહેલીવાર એક દિવસમાં આટલા બધા કેસ નોંધાયા છે. નવા કેસમાં વધારો થવાની સાથે મૃત્યુઆંક પણ ઊંચો જઈ રહ્યો છે, દેશમાં વધુ ૩૮૦ દર્દીઓના કોરોનાથી મોત થઈ ગયા છે.
ભારે ઉછાળા સાથે એક્ટિવ કેસ ૧૧,૧૭,૫૩૧ થઈ ગયા છે.દેશમાં કોરોનાના નવા કેસમાં ઉછાળો નોંધાતા ટેસ્ટિંગ કેપેસિટી પણ વધારવામાં આવી રહી છે. ૨૪ કલાકમાં વધુ ૧૮,૮૬,૯૩૫ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેની સાથે અત્યાર સુધી કરાયેલા ટેસ્ટનો આંકડો વધીને ૬૯,૭૩,૧૧,૬૨૭ થઈ ગયો છે.
ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચાલતા રસીકરણ અભિયાનમાં અપાયેલા કુલ ડોઝની સંખ્યા ૧૫૭.૩૬ કરોડ (૧,૫૭,૩૬,૧૮,૬૦૫) થઈ ગયો છે. પાછલા ૨૪ કલાકમાં વધુ ૫૮,૧૧,૪૮૭ ડોઝ આપવામાં આવ્યા છે.HS