સિંગાપોર સરકારે ધર્મોનું અપમાન કરવા બદલ કાર્ટૂનના પુસ્તક પર પ્રતિબંધ મૂક્યો

સિંગાપોર, સિંગાપોરની સરકારે કાર્ટૂનના એક પુસ્તક પર પ્રતિબંધ મુકવાનો ર્નિણય લીધો છે. આ પુસ્તકમાં આપત્તિજનક સામગ્રી હોવાથી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અહીંની સરકારે આ ર્નિણયનો બચાવ કરતા જણાવ્યું હતું કે આ પુસ્તકમાં એવી આપત્તિજનક સામગ્રી છે જેના કારણે વિવિધ ધર્મો અને ધર્મ ગુરૃઓનું અપમાન થાય છે.
સિંગાપોરના સોશિયલ એન્ડ ફેમિલી ડેવલોપમેન્ટ પ્રધાન માસાગોસ ઝુલ્કીફલીએ બુધવારે સંસદને જણાવ્યું હતું કે ‘ રેડ લાઇન્સ ઃ પોલિટિકલ કાર્ટૂન્સ એન્ડ ધ સ્ટ્રગલ અગેઇન્સ્ટ સેન્સશીપ’ નામના પુસ્તકમાં છાપવામાં આવેલા કાર્ટૂનો મુસલમાનો માટે આપત્તિજનક છે. આ પુસ્તક ભલે અભિવ્યકિતની સ્વતંત્રતા અથવા અન્ય કોઇ નામે પ્રકાશિત કરવામાં આવ્યું હોય પણ આ પુસ્તકથી લોકોની લાગણી દુભાઇ રહી છે.
ઝુલ્ફીકલીની પાસે મુસ્લિમ બાબતોનું પણ મંત્રાલય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પુસ્તકમાં અન્ય ધર્મોના પણ આપત્તિજનક કાર્ટૂન છે. લેખક ભલે કહેતા હોય કે આ પુસ્તક કોઇને અપમાનિત કરવા માટે પ્રકાશિત કરવામાં આવ્યું નથી પણ અમારી સરકાર આ દાવાને ફગાવે છે.
હોંગકોંગની બેપ્ટિસ્ટ યુનિવર્સિટીના મીડિયા સ્ટડીઝના પ્રોફેસર ચેરિયન જયોર્જ અને ગ્રાફિક નોવેલિસ્ટ સોની લિયુનું આ પુસ્તકનું વેચાણ અમેરિકા જેવા દેશોમાં અગાઉથી જ શરૃ થઇ ગયું છે. ઉલ્લેખનીય છે કે પ્રોફેસર ચેરિયન જ્યોર્જ ભારતીય મૂળના મીડિયા નિષ્ણાત છે. તેઓ સમગ્ર વિશ્વના રાજકીય કાર્ટૂનોનું વિશ્લેષણ કરે છે.HS