પતંગ લૂંટવા જતા બે બાળકોની જીવનની દોરી કપાઈ ગઈ
રાજકોટ, રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં વહેલી સવારથી લોકો પોતાના ધાબા પર ચડી પતંગ ચગાવી રહ્યા છે. તો સાથોસાથ ચીકી શેરડી તેમજ જીંજરા અને ઊંધિયું ખાઈને ઉત્તરાયણના તહેવારની મજા પણ મળી રહ્યા છે. ત્યારે દર વર્ષની જેમ આજે પણ રાજ્યભરમાં કેટલીક જગ્યાએ અનિચ્છનીય ઘટના બની હોવાનું પણ સામે આવ્યું છે. રાજકોટ શહેરના કોઠારિયા સોલવન્ટમાં તેમજ પાટણ શહેરમાં એક તરુણ અને એક બાળકનું મોત નીપજ્યું છે.
જ્યારે કે નવાગઢ ગામે ચાઈનીઝ દોરી ગળાના ભાગે લાગી જવાથી એક યુવાન ઈજાગ્રસ્ત થયો હોવાનું પણ સામે આવ્યું છે. રાજકોટ શહેરના કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં ભરવાડ પરિવારનો ૧૫ વર્ષીય દીકરો પતંગ લૂંટી રહ્યો હતો. આ સમયે તરુણનું ધ્યાન ન રહેતાં પતંગ લૂંટતા લૂંટતા ટ્રેનની અડફેટે આવી ગયો હતો.
જેના કારણે તેનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. સમગ્ર મામલાની જાણ પોલીસને થતાં તાત્કાલિક અસરથી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તેમજ જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તરુણની લાશને પોસ્ટ મોર્ટમ મળશે શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમ ખાતે ખસેડી હતી.
જ્યાં મોટી સંખ્યામાં ભરવાડ સમાજના સભ્યો એકઠા થયા હતા. મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, સવારના સાડા દસ વાગ્યાના અરસામાં તરુણ રેલવેના પાટા નજીક પતંગો લૂંટી રહ્યો હતો. આ સમયે તેનું ધ્યાન ન રહેતાં તે પતંગ લૂંટતા લૂંટતા ટ્રેનની અડફેટે ચડ્યો હતો. ત્યારે ટ્રેનની અડફેટે ચડતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
જેતપુર તાલુકાના નવાગઢ ગામે બાઈક પર જતા યુવાનના ગળાના ભાગે ચાઇનીઝ દોરી વાગવાથી ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. ગળાના ભાગે દોરી વાગવાથી ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક અસરથી જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે બીજી તરફ રાજકોટમાં વાહનમાંથી તેમજ ધાબા પરથી પડી જવાથી ચાર જેટલા લોકોને ઇજા પહોંચતાં ૧૦૮ મારફત સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.
જ્યારે કે પાટણ શહેરમાં પતંગ લૂંટવા ગયેલા ૧૪ વર્ષીય બાળકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જાણવા મળતી વિગત મુજબ બાળક ઈલેક્ટ્રીક ડીપી પર લટકી રહેલા લૂંટવા ગયો હતો. આ સમયે તેને કરંટ લાગવાથી તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષની માફક આ વર્ષે પણ ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી મોટા પ્રમાણમાં ઝડપી પાડવામાં આવી છે.SSS