નડીઆદમાં“વિશ્વ અહિંસા દિન” નિમિતે કાનૂની શિક્ષણ કાર્યક્રમ યોજાયો
નડિયાદ: જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય અને તાલુકા કાનૂની સેવા સમિતિ, નડીઆદ તથા સંતરામ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કુલનાં સંયુક્ત ઉપક્રમે વિશ્વ અહિંસા દિનની ઉજવણી કરવામાં આવી હતી. શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીને મળવાપાત્ર મફત કાનૂની સલાહ-સહાય વિશેની સંપૂર્ણ જાણકારી આપવાના હેતુસર કાનૂની શિક્ષણ કાર્યક્રમ સહિત વિવિધ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી શ્રી આર.એલ.ત્રિવેદીએ જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા સમગ્ર વિશ્વમાં તા. ૨ ઓક્ટોબર ગાંધી જયંતીને “વિશ્વ અહિંસા દિન”તરીકે ઉજવવામાં આવે છે. ગાંધી જયંતીએ સમગ્ર વિશ્વમાં મહાત્મા ગાંધીજીના “અહિંસા પરમો ધર્મ” નાં સંદેશને વ્યાપક પ્રચાર પ્રસાર કરીને સમગ્ર માનવજાતને સુખમય જીવન માટે પ્રેરિત કરવાના હેતુસર સઘન કામગીરી કરવામાં આવે છે.
શ્રી ત્રિવેદીએ જણાવ્યું કે રાષ્ટ્રપિતા અને વિશ્વવિભૂતિ એવા મહામાનવ મહાત્મા ગાંધીજીએ અહિંસા દ્વારા સમગ્ર માનવજાતના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું તે બાબત આપણા સૌ માટે સદાકાળ પ્રેરણારૂપ રહેશે. અહિંસાના સિદ્ધાંતને આપણા જીવનમાં ઉતારીને પૂ. બાપૂના અહીંસા પરમો ધર્મના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરી માનવજાતને સુખમય બનાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ.
આ કાર્યક્રમમાં સંતરામ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કુલ ખાતે યોજાયેલ રંગોળી, મહેંદી, કેશ-ગૂંથણ, વસ્ત્ર-પરિધાન તથા ગરબા હરીફાઈમાં વિજેતા થયેલ વિદ્યાર્થીનીઓને મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય, શાળાની વિદ્યાર્થીનીઓ, શિક્ષકો, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકા કાનૂની સેવા સમિતિ, નડીઆદના કર્મચારીઓ હાજર રહ્યા હતા.