Western Times News

Gujarati News

દિવ્યાંગ, વિકલાંગ, માનસિક ક્ષતિ,  મુકબધિર વગેરે ૨૨ સંસ્થાઓના ૫૪ અંતેવાસીઓ સાથે મુખ્યમંત્રી કરશે સંવાદ

File

ગાંધીનગર, ‘સંવેદનશીલ સરકાર’નો નારો આપનારા ગુજરાતના મુખ્યમંત્રી  શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા  પ્રજાજનો સાથે સીધા સંવાદનો કાર્યક્રમ ‘મોકળા મને’ ખૂબ આવકાર પામ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત સમાજના વિવિધ વર્ગના લોકો દર મહિને મુખ્યમંત્રીશ્રી સાથે સંવાદ કરે છે. ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ રાજ્યના દિવ્યાંગ બાળકોની વિવિધ સંસ્થાઓના ૫૪ જેટલા દિવ્યાંગ બાળકો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે રૂબરૂ મુલાકાત કરશે.

જે સમાજમાં દિવ્યાંગો પ્રત્યે સંવેદના ન હોય તે સમાજ સંસ્કારી ગણાતો નથી. રાજ્ય સરકાર લોકોની ભાગીદારી થકી સંસ્કારી સમાજના નિર્માણ માટે કામ કરી રહી છે. આ કાર્યક્રમમાં માનસિક, શારીરિક દિવ્યાંગો તથા અનાથ બાળકો સાથે વિજયભાઈ ખુલ્લા દિલથી સંવાદ કરશે. આ બાળકોએ દિવ્યાંગ હોવા છતાં, વિવિધ પ્રવૃત્તિઓમાં રસ લઇ ઉત્સાહભેર આગળ વધી વિશેષ ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે. ચિત્રકામ, ડાન્સ, ખેલમહાકુંભ, ક્રિકેટ, ચેસ, સિતાર-ગાયન, હારમોનિયમ, સંગીત, લોકનૃત્ય, ક્રાફ્ટ, સીવણ અને કોમ્પ્યુટર જેવા ક્ષેત્રોમાં પારંગત થયેલ દિવ્યાંગ વિદ્યાર્થીઓ કોઇ અરજદાર તરીકે નહી પરંતુ મુખ્યમંત્રીશ્રીના મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાના છે. તેમની સાથે તેમના માતા-પિતા અને શાળાના સંચાલક પણ હાજર રહેશે. બાળકો માટે વિશેષ લાગણી ધરાવતા શ્રી વિજયભાઈ રૂપાણી વત્સલ વડીલ તરીકે દિવ્યાંગ બાળકો સાથે રૂબરૂ થશે.

નોંધનીય છે કે મોકળા મને કાર્યક્રમ અંતર્ગત અગાઉ રાજ્યના એવોર્ડી શિક્ષકો તથા ઝૂંપડપટ્ટીમાં વસતા લોકોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી, તથા મુખ્યમંત્રી શ્રી દ્વારા તેમની સમસ્યાઓને અનુકૂળ સુયોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી.

સામાન્યતઃ મુખ્યમંત્રી નિવાસ સ્થાનની મુલાકાત સામાન્ય ગરીબ વંચિત લોકો માટે મુશ્કેલ હોય છે, પરંતુ વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી-CM, કોમનમેન તરીકેની પોતાની છબીને વધુ ઉજાગર કરતા સીએમ હાઉસને આવા સંવાદ મિલનથી કોમનમેન હાઉસ બનાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.