ગેરકાયદે રેતી ખનન મામલામાં પંજાબ સીએમ ચન્નીના સબંધીના ઘરે ઈડીના દરોડા

નવી દિલ્હી, પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા જ ઈડી દ્વારા ગેરકાયદેસર માઈનિંગના મામલામાં સંખ્યાબંધ જગ્યાએ રેડ પાડવામાં આવી છે. આ તમામ જગ્યાઓ પંજાબના સીએમ ચરણજીતસિંહ ચન્નીના સબંધી ભૂપેન્દરસિંહ હનીની હોવાનુ મનાય છે.
ઈડીની ટીમ આજે સવારે હનીના ઘરે પહોંચી હતી.ઘરેથી કોઈને પણ બહાર નિકળવા દેવામાં આવ્યા નહોતા.આ રેડમાં વિવિધ દસ્તાવેજો અને કોમ્પ્યુટરોની ઈડીએ તપાસ કરી હતી. આ પહેલા પણ વિરોધ પક્ષો મુખ્યમંત્રી પર પોતાના જ મત વિસ્તારમાં ગેરકાયદે માઈનિંગ કરવાનો આરોપ લગાવી ચુકયા છે.દિલ્હી સીએમ કેજરીવાલે કહ્યુ હતુ કે, આ ગેરકાયદે માઈનિંગ રોકવા માટે સીએમ કોઈ પગલા ભરી રહ્યા નથી.
સ્થાનિક પોલીસ આ કેસમાં પહેલેથી જ તપાસ કરી રહી છે અને તેના આધારે ઈડીએ મની લોન્ડરિંગની તપાસ શરુ કરી છે.ઈડી દ્વારા આ મામલે હજી સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી.એક વખત દરોડાની કામગીરી પૂરી થશે તે પછી ઈડી દ્વારા જાણકારી અપાશે. ઈડીના દરોડા દરમિયાન ઘણા લોકો હનીના ઘરની બહાર ભેગા થઈ ગયા હતા.જેના પગલે સ્થાનિક પોલીસને પણ બોલાવવામાં આવી હતી.