Western Times News

Gujarati News

કોવિડ ટાસ્ક ફોર્સ નિષ્ણાંતોનો મત : કોણે શું કહ્યું…?

 ગભરાટ નહીં, સાવચેતી રાખો,  રસીકરણ, સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઇઝેશન જ કારગત ઉપાય

રાજ્યના નાગરિકો ઓમિક્રોન વાયરસને હળવાશથી ન લે -: આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ

ડેલ્ટા વેરિયન્ટ સમયે રસીકરણનું પ્રમાણ ઓછું હતું, આજે સઘન રસીકરણના કારણે જોખમ ઘટ્યું -: ડૉ. અતુલ પટેલ

કામના સ્થળેથી ઘરે પરત ફરો ત્યારે કો-મોર્બિડ અને વયસ્કો-વડીલથી અંતર રાખી તેમને સુરક્ષિત બનાવો  -:ડૉ. દિલીપ માવળંકર

આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, કોરોનાના પ્રર્વતમાન સંજોગોમાં કોવીડ -19 ગાઈડલાઈનનું પાલન અત્યંત અનિવાર્ય છે. ઓમિક્રોન વાયરસને ફેલાતો અટકાવવા રાજ્ય સરકાર તમામ જરૂરી પગલાં લઇ રહી છે પરંતુ લોકો પણ જાગૃત રહી કોવીડ ગાઈડલાઈનનું પાલન કરે તે પણ એટલું જ જરૂરી છે.

આપણે સૌ નાગરિકધર્મ નિભાવીએ અને કોવીડ ગાઈડલાઈનનું પાલન કરી ખુદ સુરક્ષિત રહીએ તેમ જ કુટુંબ અને સમાજને પણ સુરક્ષિત રાખીએ એમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્યમાં કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ-ઉપાયો-સારવાર-સૂચનો અને ભાવિરણનિતીમાં સરકારને મદદરૂપ થવા માર્ગદર્શન અંગે મુખખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં ગઇકાલે યોજાયેલી એક્સપર્ટ ગૃપ ઓફ ડોક્ટર્સ-ટાસ્ક ફોર્સના તજજ્ઞ તબીબોએ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન બાદ આજે અમદાવાદમાં મીડિયા સાથે કોરોના વાયરસના સંક્રમણ નિયત્રંણ અંગે વિવિધ ઉપાયો-જાણકારી આપી હતી.

આરોગ્યમંત્રી શ્રીએ આ પ્રસંગે જણાવ્યુ હતું કે, વૈશ્વિક મહામારીમાં નાગરિકોના જાગૃતિપૂર્ણ પગલાં એ વાયરસને ફેલાતો અટકાવવા માટેનું અસરકારક માધ્યમ છે. રાજ્ય સરકાર ઈચ્છે છે કે નાગરિકો કોરોના ગાઈડલાઈનનું પાલન કરે, જેથી દંડ જેવા પગલાઓની જરુરિયાત જ ન રહે. ગુજરાતના નાગરિકોએ ઓમીક્રોન વાયરસને હળવાશથી ન લેવો જોઈએ. ઓમિક્રોન વેરિયન્ટ માઇલ્ડ ફોર્મ-મંદ લક્ષણોવાળો છે પણ તેની સંક્રમણ ગતિ ખૂબ જ ઝડપી છે તે ઝડપથી નાના-મોટા-વડિલોને સંક્રમિત કરી રહ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું.

અમદાવાદના સાબરમતી રિવરફ્ર્ટ હાઉસ ખાતે કોવીડ ટાસ્ક ફોર્સના સભ્યો સાથે પત્રકાર પરિષદને સંબોધતા આરોગયમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર કોવીડ -૧૯ ટાસ્કફોર્સના તજજ્ઞો દ્વારા આપવામાં આવતા સલાહ-સૂચનોનું ગંભીરતાપૂર્વક પાલન કરી રહી છે. આરોગ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકાર સમયાંતરેતજજ્ઞ તબીબો સાથેબેઠકો યોજી પરિસ્થિતિને અનુરુપ નિર્ણયો પણ લઈ રહી છે.

તેમણે કોવીડના પ્રસારને અટકાવવા માટે સામાજિક પ્રસંગોએ જવાનું ટાળવાની પણ નાગરિકોને અપીલ કરી હતી. આરોગ્યમંત્રીશ્રીએ વ્યસ્ત સમય વચ્ચે પણ કોવીડ અંગે જનજાગૃતિ ઉભી કરવા માટે આવેલા તજજ્ઞ તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.

કોવીડ ટાસ્ક ફોર્સના સભ્ય ડો. સુધીર શાહે કહ્યું કે, ઓમીક્રોનથી બચવા માટે માસ્ક, સેનિટાઈઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગ એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. ડો. શાહે કહ્યું કે, વાયરસની હાલ તીવ્ર અસર જોવા મળતી નથી, પરંતુ આપણે કોમોર્બિડ અને વયસ્ક દર્દીઓ માટે વિશેષ સાવચેતી રાખવાની જરૂરિયાત છે. ડો. સુધીર શાહે  પાત્રતા ધરાવતા નાગરિકોને ઝડપથી રસીકરણ કરાવવા માટે અનુરોધ કર્યો હતો. ડો. શાહે કોવીડ મહામારીમાં રસીકરણ, માસ્ક, હેન્ડ સેનિટાઈઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગને એક માત્ર વિકલ્પરૂપે ગણાવ્યા હતા.

ટાસ્ક ફોર્સના નિષ્ણાત ડો. અતુલ પટેલે જણાવ્યું હતું કે, ઓમીક્રોનના સંક્રમણની ગતિ ઝડપી છે, પરંતુ તે ડેલ્ટા વેરિયેન્ટ જેટલો તે ઘાતક નથી. તેમણે કહ્યું કે, ડેલ્ટા વેરિયન્ટ સમયે આપણે રસીકરણનું પ્રમાણ ઓછું હતું, પરંતુ આજે સઘન રસીકરણના પગલે જોખમમાં ઘટાડો થયો છે. ડો. પટેલે કહ્યું કે, ત્રીજી લહેરમાં દર્દીઓનો હોસ્પિટલાઈઝેશનનો દર માત્ર 1 થી 2 ટકા જેટલો જ રહ્યો છે.

ઇમ્યુનોક્રોમ્પ્રોમાઇઝ્ડ(રોગપ્રતિકાક શક્ત ઓછી હોય), હાઇબ્રીડ ઇમ્યુનીટી ધરાવતા અને એન્ટિબોડીઝ ડેવલપ થયા ન હોય તેવા પ્રકારના લોકોને જ ઓમિક્રોન વાયરસની ગંભીર અસરો વર્તાઇ શકે છે. ઓમિક્રોનના દર્દીઓને બે કેટેગરીમાં વિભાજીત કરીને તેમણે જણાવ્યું કે ઓછુ રીસ્ક ધરાવતા દર્દીઓને ફક્ત મોનિટરિંગ કરવું અને લક્ષણો આધારિત સારવાર આપવી જેના પરિણામે આવા દર્દીઓને મહત્તમ 5 થી 7 દિવસની અંદર સાજા થવાની સંભાવનાઓ પ્રબળ    રહેલી છે.

જ્યારે વધારે રિસ્ક ધરાવતા દર્દી કે જેઓને અગાઉ કોઇ રિનલ ટ્રાન્સ્પ્લાન્ટ કરાવ્યું હોય, કોમોર્બિડ હોય, રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, વયસ્ક હોય તેવા દર્દીઓને સતત 2 દિવસ 101 થી 102 ડિગ્રી સુધી તાવ રહે અને શ્વાસ લેવામાં તકલીફ જણાય તેવા દર્દીઓને દાખલ કરવાની કે આઇ.સી.યુ.માં સારવાર અપાવવાની જરૂર જણાશે.વૈશ્વિક સ્તરે થયેલા સંશોધનો પ્રમાણે ઓમિક્રોનની સારવારના પ્રાથમિક ત્રણ દિવસમાં રેમડેસિવીર ઇન્જેકશન અસરાકરક નીવડશે, જે 89 ટકા સુધી વાયરસને બ્લોક કરવામાં સફળતા મળે છે.

ડૉ. અતુલ પટેલે આ તબક્કે ઓમિક્રોનની સારવારમાં સ્ટેરોઇડનો ઉપયોગ ટાળીને મ્યુકરમાઇકોસીસથી બચવા માટે પણ અનુરોધ કર્યો હતો.

ડૉ. દિલીપ માવળંકરે જણાવ્યું હતુ કે, ગુજરાતમાં થયેલ વ્યાપક રસીકરણના કારણે ઓમિક્રોન વાયરસનું ડિ-કપલીંગ થયું છે એટલે કે કોરોનાના કેસ વધવા છતા પણ ઓક્સિજન કે આઇ.સી.યુ. અથવા વેન્ટિલેટર પર સારવાર આપવાની જરૂરિયાત ઓછી જણાઇ છે.

આ વાયરસની ચેઇન તોડવા અને વાયરસનું સંક્રમણ આગળ વધતુ અટકાવવા માટે સરકારી દિશા-નિર્દેશોનો ચુસ્ત પણે પાલન કરવું ખૂબ જ જરૂરી છે. તેમણે એન-95 અથવા થ્રી લેયરના ડબલ માસ્ક પહેરવા પણ અનુરોધ કર્યો છે. બંધ વાતાવરણમાં વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાય છે ત્યારે વેન્ટિલેશન વાળી જગ્યાએ રહેવા તેમણે જણાવ્યું છે.

વૈશ્વિક તારણોના આધારે કોરોનાની ત્રીજી લહેર બાદ આપણે કોરોના મહામારીના અંત તરફ આગળ વધીશું તેમ તબીબે ભારપૂર્વક કહ્યું છે.

ડૉ. વી.એન. શાહે લોકોને કોરોના સંસંલ્ગન ભ્રમણાઓ અને ગેરમાન્યતાઓથી દૂર રહેવા અનુરોધ કરતા પ્રવર્તમાન સ્થિતિમાં પણ કોરોના અનુરૂપ વ્યવહારનું પાલન કરવા અને સરકારી દિશાનિર્દેશોને અનુસરવા અપીલ કરી છે.

કોરોનાના ઓમિક્રોન સ્વરૂપથી ઉદ્ભવતા શરદી-ઉધરસના લક્ષણને ફક્ત એક ફ્લુ ના સમજીને તેને ગંભીરતાથી લઇ ટેસ્ટ કરાવી તેને અનૂરૂપ સારવાર કરાવવા સૂચન કર્યું હતુ.

આપણે પેન્ડેમિકના અંત તરફ આગળ વધી રહ્યાં છે ત્યારે બેદરકારી ના દાખવીને સાવચેતી રાખવા તેમણે કહ્યું હતુ. વૈશ્વિક અભ્યાસનો સંદર્ભ આપતા તેમણે જણાવ્યું કે, વિશ્વમાં ઓમિક્રોનથી સંક્રમિત થઇ આઇ.સી.યુ.માં દાખલ દર્દીઓમાં 80 ટકા લોકોએ વેક્સિન ન લીધુ હોવાનું તારણ બહાર આવ્યું છે. જેથી કોરોનાનું રસીકરણ કરાવવા પણ તેમણે અનુરોધ કર્યો હતો. તેમણે બીનજરૂરી કોરોના ટેસ્ટીંગ કરાવવાનું ટાળવા પર પણ ભાર મૂક્યો હતો.

ડૉ. તુષાર પટેલે કોરોના રોગ થયો છે કે નહીં તે જાણવા શું કરવું તે માટેના સૂચનો રજૂ કરતા જણાવ્યું કે, ઓમિક્રોનના દર્દીને માઇલ્ડ, મોડરેટ અને સિવિયર લક્ષણોના આધારે અલગ તારવી શકાય. દર્દીને 101 થી 102 દિવસ તાવ આવે અને પછી ત્રીજા દિવસે સામાન્ય અનુભવ થાય ,

શરદી આવે નાક બંધ થઇ જાય, ખાંસી આવે અને ખાસ કરીને ગળામાં અસહ્ય દુખાવો થાય ત્યારે આ પ્રકારના લક્ષણોને માઇલ્ડ ગણીને તેની સારવાર કરાવવી જોઇએ. આ તબક્કે મીઠાના ગાર્ગલ કરવા પણ તેમણે સૂચવ્યું છે. હાલના તબક્કે 97 ટકા જેટલા કોરોના-ઓમિક્રોનના દર્દીઓ હોમ આઇસોલેશનમાં જ સાજા થઇ રહ્યા છે તેમ જણાવીને કોરોનાથી ગભરાવવાની જરૂર નથી તેમ પણ તેમણે કહ્યું હતુ.

ઓમિક્રોન વેરિયન્ટમાં શરીરમાં કડતર થવી, શરીર દુખવું, માથામાં અસહ્ય દુખાવો રહેવો જેવા લક્ષણો જણાઇ આવતા શરીરમાં ડિહાઇડ્રેશનની પરિસ્થિતિ ન સર્જાય તે માટે દિવસમાં 3 થી 4 લીટર પાણી પીવું જોઇએ. ઓમિક્રોનના લક્ષણો દરમિયાન શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતુ જણાય તો તેને મોડરેટ લક્ષણો માનીને હોસ્પિટલમાં દાખલ થવું જોઇએ.

ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલે જણાવ્યું કે, ગઇકાલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇની અધ્યક્ષતામાં રાજ્યના એક્સપર્ટ ગૃપ ઓફ ડોક્ટર્સની બેઠક યોજાઇ હતી એમાં જે સલાહ-સૂચનો તજજ્ઞો તબીબો દ્વારા રાજ્ય સરકારને આપવામાં આવ્યા હતા તેનું ત્વરિત પાલન કરવામાં આવી રહ્યું છે.

આજે આ તજજ્ઞો તબીબો દ્વારા મીડિયાના માધ્યમ થકી રાજ્યના નાગરિકોને જે પણ સલાહ-સૂચનો આપવામાં આવી રહ્યા છે તેનું અવશ્ય પાલન રાજ્યના તમામ નાગરિકોએ કરવું જોઇએ એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં અમદાવાદ મહાનગરપાલિકાના કમિશ્નર શ્રી લોચન શહેરા પણ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.