Western Times News

Gujarati News

પંચોની તાલિબાની સજા પતિ-પત્નીને ૨ કલાક સુધી ઢોર મોર માર્યો

જયપુર, રાજસ્થાનના રાજસમંદના એક ગામમાં પંચોના તાલિબાની ર્નિણય બાદ ગામમાં પતિ-પત્નીને જાહેરમાં લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. વાત માત્ર એટલી જ હતી કે મહિલા તેના પહેલા પતિને છોડીને જ્ઞાતિના રિવાજ મુજબ અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરીને રહેતી હતી. મહિલાના પ્રથમ સાસરિયાના લોકોથી આ સહન ન થયું. તેઓ મહિલાને તેમના ગામમાં લઈ આવ્યા.

અહીં પંચોએ તાલિબાની સજા આપવાનો આદેશ આપ્યો. આ પછી મહિલા અને તેના બીજા પતિને દોરડાથી બાંધી દેવામાં આવ્યા અને લોકો બે કલાક સુધી તેમને મારતા રહ્યા હતા.

એક મહિલાએ પણ ભારે લાકડીઓ વરસાવી હતી. માચડા ગામની આ ઘટના ૬ દિવસ પહેલાની છે, પરંતુ સમાજ અને પંચોના ડરથી કોઈ કશું બોલી શક્યું નહીં. હવે જ્યારે આ રીતે ઢોર માર મારવાનો વીડિયો સામે આવ્યો ત્યારે પીડિતાના પરિવારે હિંમત કરીને ગોગુંદા પોલીસ સ્ટેશનમાં પહેલા પતિ સહિત ૪ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવી છે.

ગોગુંદાના મારુવાસના રહેવાસી વ્યક્તિ, જેણે એક મહિના પહેલા મહિલા સાથે લગ્ન કર્યા, તેણે કહ્યું, “અમે બંને એકબીજાને લાંબા સમયથી ઓળખીએ છીએ. લગ્ન પછી પત્નીની સાથે હું મારા ઘરમાં રહેતો હતો.

દરમિયાન ૧૧ જાન્યુઆરીએ મહિલાનો પહેલો પતિ તુલસીરામ ગમેતી અને સમાજના કેટલાક દબંગો મારા ઘરે આવ્યા હતા. ઘરમાં તોડફોડ કરાને અમને બંધક બનાવવામાં આવ્યા હતા, બાદમાં અમને પીકઅપ કારમાં બેસાડી દેલવાડાના માચડ ગામે લઇ ગયા હતા.

જ્યારે પંચોને અહીં બોલાવવામાં આવ્યા ત્યારે તેઓએ તેમને ગામની વચ્ચે માર મારવાની સજા ફટકારી. પૂર્વ પતિ તુલસી રામ અને તેના સંબંધીઓએ અમને ઘરની બહાર દોરડા વડે બાંધી દીધા હતા અને માર મારવા લાગ્યા હતા.

૨ કલાક સુધી અમને લાકડીઓ અને થપ્પડથી મારવામાં આવ્યા. પંચોની હાજરીમાં અમને માર મારવામાં આવ્યો હતો. જાનથી મારી નાખવાની ધમકી આપતાં બધાની સામે માફી માગવા પણ કહ્યું હતું. એક મહિલા પણ અમારા પર લાકડીઓ વરસાવી રહી હતી. લોકો પણ પંચો અને પરિવારજનોને માર મારવા માટે ઉશ્કેરતા રહ્યા હતા.

આ દરમિયાન સમાજના પંચોએ બંનેને ૪૦ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. દંડની રકમ ચૂકવી દેવાની ધમકી આપી હતી. સમાજના ડરથી પતિ-પત્ની ૬ દિવસ સુધી ચૂપ રહ્યા હતા.ગોગુંદાના એસએચઓ કમલેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું કે, આ સમગ્ર મામલો મહિલા અને તેના પતિ સાથે લગ્નના સામાજિક રિવાજને કારણે સામે આવ્યો છે.

પીડિતાની ફરિયાદ નોંધવામાં આવી છે. ટૂંક સમયમાં જ વીડિયોના આધારે આરોપી તુલસી રામ સહિત ૪ નામના લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.