Western Times News

Gujarati News

પેટલાદ પાલિકાના હિસાબો રજૂ કરવામાં અનિયમિતતા

(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ નગરપાલિકામાં સંપૂર્ણ બહુમત સાથે ભાજપના સભ્યોએ સત્તાના સુત્રો સંભાળ્યા હતા. છેલ્લા દસ મહિનામાં સાધારણ સભા બોલાવવામાં ભારે વિલંબ જાેવા મળે છે. ઉપરાંત ત્રિમાસીક હિસાબો પણ સમયસર રજૂ નહિ થતા હોવાને કારણે પાલિકા કેમ્પસમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બનવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ દસ મહિના દરમિયાન જે કોઈ સાધારણ સભા મળી છે, તેમા પણ કોઈ નોંધપાત્ર વિકાસલક્ષી કામો રજૂ નહી થયા હોવાની વાત ટોક ઓફ ધ ટાઉન છે.

મળતી માહિતી મુજબ પેટલાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ગત ફેબ્રુઆરી ર૦ર૧માં યોજાઈ હતી. જેમા બાવીસ બેઠકો સાથે ભાજપને સ્પષ્ટ બહુમત મળ્યો હતો. જ્યારે આમ આદમી પાર્ટીને પાંચ તથા અપક્ષના ફાળે છ બેઠકો ગઈ હતી. પરંતુ આ ચૂંટણીમાં કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ થતા માત્ર ત્રણ બેઠકોમાં સમેટાઈ ગયુ હતુ. ત્યારબાદ તા.૧૬ માર્ચ ર૦ર૧ના રોજ પ્રમુખ – ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. એટલે પાલિકામાં સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ પાલિકાની તા.૩૦ માર્ચ ર૦ર૧ની પ્રથમ સામાન્ય સભામાં બજેટ રજૂ થયુ હતુ.

જ્યારે તા.૧૯ એપ્રિલ ર૦ર૧ના રોજ પાલિકાની વિવિધ કમિટીઓની રચના કરવા બેઠક મળી હતી. પાલિકાના સત્તાધીશો દ્વારા તા.૧૯ જૂન ર૦ર૧ના રોજ સાધારણ સભા મળી હતી. જેમા ઓક્ટોબર ર૦ર૦ થી ડિસેમ્બર ર૦ર૦ તથા જાન્યુઆરી ર૦ર૧ થી માર્ચ ર૦ર૧ સુધીના ત્રિમાસીક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા.

સાથોસાથ આ સભામાં વર્ષ ર૦ર૦-ર૧ના વાર્ષિક હિસાબો પણ રજૂ કરવામાં આવ્યા હતા. આમ આ ત્રિમાસીક અને વાર્ષિક હિસાબો રજૂ કરવામાં પણ વિલંબ થયો હોવાનું જાેવા મળે છે. ત્યારબાદ તા.ર૯ ઓક્ટોબર ર૦ર૧ના રોજ સાધારણ સભા મળી હતી. જેમા એપ્રિલ ર૦ર૦ થી જૂન ર૦ર૧ સુધીનો ત્રિમાસીક હિસાબ રજૂ થયો હતો. પરંતુ જૂલાઈ ર૦ર૧ થી સપ્ટેમ્બર ર૦ર૧ સુધીના ત્રિમાસીક હિસાબો આ બેઠકમાં રજૂ થયા ન હતા. ઉપરાંત ત્યારબાદ હજીસુધી એકપણ સાધારણ સભા મળી નથી. જેને કારણે જુલાઈ ર૦ર૧થી ડિસેમ્બર ર૦ર૧ સુધીના હિસાબો રજૂ થયા નહી હોવાની વાત ચર્ચાસ્પદ બનવા પામી છે.

અત્રે નોંધપાત્ર બાબત એ છે કે ચાલુ નાણાકીય વર્ષ એટલે કે તા.૧ એપ્રિલ ર૦ર૧ થી અત્યાર સુધીમાં માત્ર ૬૧ ઠરાવ થયા હોવાનું જાણવા મળે છે. જેમા શોક ઠરાવ, રજા રિપોર્ટ, અગાઉની સભાનું પ્રોસિડિંગ વગેરે જેવા રૂટિંન ઠરાવોનો પણ સમાવેશ થઈ જાય છે. એટલે કે છેલ્લા દસ મહિના દરમિયાન વર્તમાન સત્તાધીશો દ્વારા વિકાસલક્ષી કામો કેટલા રજૂ થયા હશે ? તે જાેવા મળે છે. મળતી માહિતી મુજબ હાલ સાધારણ સભા યોજવા માટે છેલ્લા બે મહિના દરમિયાન અનેક વખત તારીખોમાં ફેરફાર થયો હોવાનું જાણવા મળે છે. જાેવાનું એ રહેશે કે ભારે અનિયમિત મળતી સાધારણ સભા હવે ક્યરે મળશે ?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.