સાસુ સાથે બોલાચાલી થતા પુત્રવધુએ અગ્નિસ્નાન કર્યું
રાજકોટ, શહેરમાં વધુ એક વખત પુત્રવધુએ સાસરિયામાં અગ્નિ સ્નાન કરવાનો વારો આવ્યો છે. અગ્નિસ્નાનના કારણે પુત્રવધૂ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલા બર્ન્સ વિભાગમાં ખસેડવામાં આવી છે. સમગ્ર મામલાની જાણ સિવિલ હોસ્પિટલ ચોકી દ્વારા ભક્તિનગર પોલીસને કરવામાં આવતા તાત્કાલિક અસરથી ભક્તિનગર પોલીસનો કાફલો પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પુત્રવધુએ પોતાના સાસરિયામાં અગ્નિસ્નાન કરી લીધાનો બનાવ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, શ્રી નગર સોસાયટી શેરી નંબર એકમાં રહેતા જીતુબેન ગોહિલ નામની પુત્રવધૂને પોતાની ૮૫ વર્ષની વયની વૃદ્ધ સાસુ સાથે બોલાચાલી થતા પુત્રવધુએ અગ્નિસ્નાન કરી લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે. જીતુબેન ગોહિલ બપોર બાદ જ્યારે ઘરે કોઈપણ હાજર ન હોય તે સમયે એકલતાનો લાભ ઉઠાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું જીતુ બેનના પતિ સુરેશભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર જીતુબેનના પતિ સુરેશભાઈ રીક્ષા ચલાવી પોતાનું તેમજ પરિવારનું આર્થિક ગુજરાન ચલાવે છે. જીતુબેન તેમજ સુરેશભાઈને સંતાનમાં બે પુત્ર છે. જે બંને પુત્ર તેમનાથી અલગ રહે છે. હાલ શ્રીનગર સોસાયટી શેરી નંબર એકમાં જીતુ બેન પોતાના પતિ સુરેશભાઈ અને સાસુ ગંગાબેન તેમજ સસરાની સાથે રહે છે.
ત્યારે ૮૫ વર્ષીય સાસુ ગંગાબેન દ્વારા જીતુ બેનને અણગમતું કહેવામાં આવતા પુત્રવધુ જીતુ બેનને લાગી આવ્યું હતું અને ત્યારબાદ તેમણે અગ્નિસ્નાન કરી લેવાનો નિર્ધાર કર્યો હતો. હાલ, ભક્તિનગર પોલીસ દ્વારા સમગ્ર મામલે આત્મહત્યાનો પ્રયાસ કરનાર જીતુ બેન તેમજ તેમના પતિ સુરેશભાઈ સહિત પરિવારજનોનું નિવેદન નોંધવાની કામગીરી શરૂ કરી છે. ત્યારે ખરા અર્થમાં તપાસ દરમિયાન આત્મહત્યાના પ્રયાસ બાબતે અન્ય કોઈ કારણ સામે આવે છે કે કેમ તે જાેવું અતિ મહત્ત્વનું બની રહેશે.SSS