Western Times News

Gujarati News

મહાત્મા ગાંધી પર ટિપ્પણી મુદ્દે થાણે પોલીસે કાલીચરણ મહારાજને કસ્ટડીમાં લીધા

નવીદિલ્હી, મહારાષ્ટ્રની થાણે પોલીસે મહાત્મા ગાંધી વિરૂદ્ધ કથિતરૂપે અપમાનજનક ટિપ્પણી કરવા મામલે હિંદુ ધર્મગુરૂ કાલીચરણ મહારાજને છત્તીસગઢ ખાતેથી કસ્ટડીમાં લીધા છે.

નૌપાડા થાણાના એક અધિકારીએ જણાવ્યું કે, બુધવારે રાતે છત્તીસગઢની રાજધાની રાયપુર ખાતેથી કાલીચરણ મહારાજને કસ્ટડીમાં લેવામાં આવેલા. ત્યાં તેઓ આવા જ એક કેસમાં જેલમાં બંધ હતા. તેમને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર થાણે લાવવામાં આવી રહ્યા છે અને ગુરૂવારે સાંજ સુધીમાં સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

અગાઉ ગત ૨૬ ડિસેમ્બરના રોજ છત્તીસગઢની રાજધાની ખાતે આયોજિત એક કાર્યક્રમમાં મહાત્મા ગાંધી વિરૂદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરવાના આરોપસર રાયપુર પોલીસે કાલીચરણ મહારાજની ધરપકડ કરી હતી. જ્યારે ૧૨ જાન્યુઆરીના રોજ મહારાષ્ટ્રની વર્ધા પોલીસે આ પ્રકારના એક કેસમાં તેમની ધરપકડ કરી હતી.

નૌપાડા થાણાના અધિકારીએ જણાવ્યું કે, રાષ્ટ્રપિતા વિરૂદ્ધ કથિત ટિપ્પણીને લઈ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને મહારાષ્ટ્રના મંત્રી જિતેન્દ્ર અવ્હાડની ફરિયાદના આધાર પર કાલીચરણ મહારાજ વિરૂદ્ધ નોંધાયેલા કેસ મામલે રાયપુરથી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

અગાઉ ૧૯ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ ‘શિવ પ્રતાપ દિન’ કાર્યક્રમમાં કથિતરૂપે ભડકાઉ ભાષણ મામલે પુણે પોલીસે કાલીચરણ મહારાજની ધરપકડ કરી હતી. છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા મુગલ સેનાપતિ અફઝલ ખાનને મારી નાખવામાં આવ્યો તે ઘટનાની યાદમાં આ કાર્યક્રમ યોજાયો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.