રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ 24485 નવા કેસઃ અમદાવાદમાં 10 હજાર નજીક નવા કેસઃ 7 મોત

અમદાવાદ, ગુજરાતમાં હવે કોરોનાની લહેર નહીં પણ સુનામી આવી ચૂકી છે. રાજ્યમાં ત્રણેય લહેરમાં પહેલીવાર 24હજાર 485 કેસ નોંધાયા છે. આમ કોરોનાના નવા કેસ નોંધાવવા બાબતે તમામ રેકોર્ડ ધ્વસ્ત થયા છે. હવે કોમ્યુનિટી સ્પ્રેડ થઈ ગયું હોવા સામે કોઈ શંકા નથી. છેલ્લા 24 કલાકમાં 13 દર્દીઓના મોત થયા છે અને 10 હજાર 310 દર્દી ડિસ્ચાર્જ થયા છે.
રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. જે 263 દિવસ અગાઉ હતાં, તો 232 દિવસ બાદ 13નાં મોત થયાં છે. અગાઉ 5 જૂને 13નાં મોત નોંધાયા હતા.
રાજ્યમાં આજે 24485 કેસ નોંધાતા હવે બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. હવે નવા કેસો 20 હજારને પાર થઈ ગયા છે, જેથી ત્રીજી લહેરની પીક કેટલા કેસ પર આવશે?
રાજ્યમાં અત્યાર સુધીમાં 9 લાખ 77 હજાર 78ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 186 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 76 હજાર 166 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 90 હજાર 726 એક્ટિવ કેસ છે, જેમાંથી 125 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 90 હજાર 601 દર્દીની હાલત સ્થિર છે.