મોરબીમાં કોરોના સંક્રમણ વધ્યુંઃ લોકોમાં જાગૃતિ આવતા ડર ઘટ્યો
આરોગ્ય તંત્ર દ્વારા વેક્સિનેશન સહિતની કામગીરી વેગવંતી
મોરબી, મોરબી જિલ્લામાં કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે પણ કોરોનાનું સંક્રમણ વધુ ગંભીર ન હોવાથી લોકો પોતાના ઘેર જ સારવાર લઈને સ્વસ્થ થઈ જતા હોસ્પિટલો ખાલીખમ છે. કોરોના સંક્રમણ થયેલ દર્દીઓને ઓક્સિજન કે વેન્ટિલેટરની જરૂર પડતી નથી.
બીજી બાજુ લોકોમાં પણ કોરોનાનો ડર રહ્યો નથી. લોકો સ્વયંભૂ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા લાગ્યા છે. ગઈકાલે મોરબીમાં કોરોનાનો મોટો વિસ્ફોટ થયો, જેમાં એક સાથે કોરોનાએ ત્રેવડી સદી ફટકારી છે. એક જ દિવસમાં ૩૧૮ કેસ પોઝિટિવ નોંધાયા જેને પગલે જિલ્લામાં એકટીવ કેસનો આંક ૮૮૪ થયો છે. ત્રીજી લહેર ભયાનક નથી, તે વર્તમાન સ્થિતિ પરથી જણાય છે મોટાભાગના દર્દીઓને ઘેર જ આઈસોલેશન કરી સારવાર આપવામાં આવે છે, અનેક દર્દીઓ ઝડપભેર સ્વસ્થ થઈ રહ્યા છે.
બીજી તરફ સરકાર દ્વારા ફન્ટલાઈન વોરિયર્સ સહિત લોકોને પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ થયું છે. બુસ્ટર ડોઝ પણ લોકો હોંશે હોંશે લઈ રહ્યા છે. હાલ મોરબી જિલ્લામાં બહોળી સંખ્યામાં લોકોમાં શરદી ઉધરસ સહિત સામાન્ય લક્ષણો ઘેર ઘેર જાેવા મળી રહ્યા છે ત્યારે જરૂર જણાય ત્યાં કાળજી રાખવી અને સામાન્ય તાવ, શરદી, ઉધરસ સહિતના લક્ષણો હોય તો યોગ્ય ડોકટરની સલાહ લેવી હિતાવહ છે.
આ અંગે મોરબીની જાણીતી ક્રિષ્ના હોસ્પિટલના ડો. ભરત કૈલાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા આપવામાં આવેલ વેક્સિનના બે ડોઝ અને બુસ્ટર ડોઝના પગલે ત્રીજી લહેરમાં રસી હિતાવહ સાબિત થઈ છે અને રક્ષણ મળી રહ્યું છે. છાતીમાં ઈન્ફેકશન પહેલા જેવું જાેવા મળતું નથી દર્દીમાં ઓક્સિજન લેવલ બરાબર જાેવા મળે છે.
મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના ડો. વિપુલ વારવરિયાએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં હાલ ૬ ઘનવંતરી રથ, ૧૪ સંજીવની રથ કાર્યરત છે જેમાં પણ હજુ વધારો કરવામાં આવશે. સંજીવની રથ દ્વારા કોરોના પોઝિટિવ દર્દીને ઘેર ઘેર તપાસ અને દવા અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. મોરબી જિલ્લામાં આવી રહેલા પોઝિટિવ કેસમાં દાખલ માત્ર ચાર દર્દી છે.