ભારત-અમેરિકાની છ ફ્લાઇટ પ્લેન ઉત્પાદકે આપેલી મંજૂરી પછી શરૂ

Files photo
નવીદિલ્હી, એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે તેણે બોઇંગ બી૭૭૭ વિમાન સાથે ભારત-અમેરિકાની છ ફ્લાઇટ પ્લેન ઉત્પાદકે આપેલી મંજૂરી પછી શરૃ કરી છે. એરલાઇને આ ઉપરાંત જણાવ્યું હતું કે શુક્રવારથી અમેરિકાની બધી ફ્લાઇટ રાબેતા મુજબ શરૂ થશે.
એર ઇન્ડિયાએ બુધવારે ઉત્તર અમેરિકામાં ફાઇવ-જી ઇન્ટરનેટની ગોઠવણીના પગલે વિમાનની કામગીરીમાં આવનારા અવરોધને ધ્યાનમાં રાખી ભારત-અમેરિકા રુટની બધી આઠ ફ્લાઇટ રદ કરી હતી. યુએસ એવિયેશન રેગ્યુલેટર ફેડરેલ એવિયેશન એડમિનિસ્ટ્રેશન ગુરુવારે નવા આદેશમાં જણાવ્યું હતું કે બી૭૭૭ સહિતના ખાસ પ્રકારના એરક્રાફ્ટમાં ફિટ કરવામાં આવેલા રેડિયો ઓલ્ટીમીટર્સમાં ફાઇવ-જી સર્વિસની અસર નહી થાય.
તેના પરિણામે એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બોઇંગે અમેરિકા બી૭૭૭ એરક્રાફ્ટ માટે જવા ક્લિયરન્સ આપી દીધું છે. પહેલી ફ્લાઇટ તો ગુરુવારે સવારે જ ન્યૂયોર્ક જવા રવાના થઈ ગઈ છે. જ્યારે દિવસ દરમિયાન જનારી અન્ય ફ્લાઇટ શિકાગો અને સાન ફ્રાન્સિસ્કોની ફ્લાઇટ છે. અટવાયેલા પેસેન્જરોને લઈ જવાની વ્યવસ્થા જારી છે. અમેરિકા જતી બી-૭૭૭ ફ્લાઇટ્સનો મુદ્દો ઉકેલાઈ ગયો છે.
એર ઇન્ડિયાએ ગુરુવારથી દિલ્હી-ન્યૂયોર્ક, ન્યૂયોર્ક-દિલ્હી, દિલ્હી-શિકાગો, શિકાગો-દિલ્હી, દિલ્હી-સાનફ્રાન્સિસ્કો અને સાન ફ્રાન્સિસ્કો-દિલ્હી શરૃ કરી દીધી છે. આ છ ફ્લાઇટ્સની સાથે મુંબઈ-નેવાર્ક અને નેવાર્ક-મુંબઈની બીજી ફ્લાઇટ પણ બુધવારે એર ઇન્ડિયાએ રદ કરી હતી.
તેણે જણાવ્યું હતું કે શુક્રવારથી અમેરિકાની ફ્લાઇટ્સ રાબેતા મુજબ ઉપડશે. યુએસ ઉડ્ડયન નિયમનકારે ૧૪ જાન્યુઆરીએ જણાવ્યું હતું કે ફાઇવ-જીના લીધે એરક્રાફ્ટ રેડિયો ઓલ્ટીમીટર પ્લેન જ્યારે લેન્ડિંગ મોડમાં હોય ત્યારે એન્જિન અને બ્રેકિંગ સિસ્ટમ્સમાં ખલેલ પાડી શકે છે. તેના લીધે એરક્રાફ્ટ રનવે પર અટકી જઈ શકે છે.HS