Western Times News

Gujarati News

વાનમાં ભીષણ આગ લાગતા ૩ બાળક સહિત ચારના મોત

નખત્રાણા,  કચ્છના નખત્રાણાથી નિરોણા જતા હાઇવે ઉપર અરલ ફાટક પાસે એક મારૂતી વાનમાં અચાનક આગ ફાટી નીકળતાં તેમાં બેઠેલા ત્રણ બાળકો સહિતના ચાર જણાં જીવતાં જ આગમાં ભડથું થઇ ગયા હતા, જયારે આઠ લોકો દાઝી ગયા હતા. દાઝેલા તમામ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જા કે, વાનમાં આ પ્રકારે લાગેલી આગમાં ત્રણ બાળકો સહિત ચાર જણાં ભડથું થઇ જવાના સમાચારને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, નખત્રાણાના રામનગરીમાં રહેતો પરિવાર મારૂતિ વાનમાં બુધવારે બિબ્બર ગામે માતાજીના દર્શનાર્થે જતો હતો ત્યારે અરલ ફાટક પાસે દુર્ઘટના ઘટી હતી. વાનમાં પરિવારના સભ્યો અને સગાવ્હાલા-મિત્રવર્તુળના ૧૨ સભ્યો સવાર હતા. દરમ્યાન નખત્રાણાથી નિરોણા હાઇવે પર અરોલ ફાટક પાસે અચાનક કોઇક કારણસર વાનમાં જબરદસ્ત આગ ફાટી નીકળી હતી.

વાનના દરવાજા લોક હોઇ તેમાં બેઠેલા પરિવારના સભ્યો આગની જવાળાઓમાં ફસાઇ ગયા હતા. વાનના દરવાજાના લોક ખોલી આટલા બધા લોકો એકસાથે બહાર નીકળે તે પહેલાં વિકરાળ આગની જવાળાઓમાં અંદર બેઠેલા ત્રણ બાળકો સહિત ચાર જણાં જીવતાં જ ભડથુ થઇ ગયા હતા. જયારે અન્ય આઠ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. દાઝેલા આઠ લોકોને પહેલા નખત્રાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં નખત્રાણા પોલીસે પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.