Western Times News

Gujarati News

એક સમયે 22 મહિલાઓ દારૂ વેચતી હતી, હવે પોલીસની મદદથી તાલીમ લઈ પગભર થઈ

દારૂ વેચતી રર મહિલાઓને વડોદરા પોલીસે પગભર બનાવી- પોલીસ દ્વારા યોજાયો અનુઠો ‘દીક્ષાંત’ સમારોહઃ  ૧૧ મહિલાઓને હાથલારી, કેબિન, ઘરઘંટી, અગરબત્તી બનાવવાના સામાનનું વિતરણ કરવામાં આવ્યુ

વડોદરા, સમયનો માર ખાવાના કારણે શરાબ જેવી પ્રતિબંધિત વસ્તુના વેચાણની પ્રવૃતિમાં ભરાઈ પડેલા વડોદરા શહેરની મહિલાઓને આત્મસન્માન સાથે પગભર બનાવવાનું અભિયાન શહેર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.

વડોદરા શહેર પોલીસની શી ટીમ દ્વારા આત્મનિર્ભર પ્રોજેકટ અંતર્ગત બુટલેગર ગણાતી રર મહિલાઓને ગૃહઉદ્યોગની તાલીમ આપી પગભર બનાવવામાં આવી છે અને આ મહિલાઓ સ્વમાન અને માનવગૌરવ સાથે જીવવાના સંકલ્પ કરી પોતાની અસામાજિક પ્રવૃતિને તિલાંજલી આપવા સોગંદબદ્ધ થઈ છે.

વડોદરા શહેર પોલીસ દ્વારા આરંભવામાં આવેલા આત્મનિર્ભર પ્રોજેકટમાં મહિલા બુટલેગરને પગભર બનાવવા માટે પ્રયોગિક ધોરણે છ પોલીસ સ્ટેશનમાં દર્જ થયેલી વિગતોને આધારે પૂર્વ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. જેમાં પતિના અવસાન બાદ પરિવારના લાલન-પાલન માટે આ મહિલાઓ દારુ વેચાણ કરવાની પ્રવૃતિ કરવા મજબુર બની હતી.

તો કેટલીક મહિલાઓને પોતાના પરિવારમાં એક કરતા વધારે લોકો ગંભીર બિમારીમાં સપડાયેલા હોવાથી વધુ અર્થોપાર્જનની લાલચના કારણે માટે દારુ વેચવો પડે એવી સ્થિતિ હતી. આવા કારણોના ઉપચાર માટે પોલીસ કમિશનર ડો. શમશેર સિંઘે શી ટીમને આત્મનિર્ભર પ્રોજેકટ શરૂ કરી પુનઃસ્થાપન કરાવવા જણાવ્યું હતું.

સહાયક પોલીસ કમિશનર રાધિકા ભારાઈએ કહ્યું કે, પ્રથમ તબકકામાં શી ટીમ દ્વારા રાવપુરા, સયાજીગંજ, છાણી, કારેલીબાગ, મકરપુરા, સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દર્જ મહિલાઓને પગભર બનાવવા માટે પસંદગી કરવામાં આવી હતી.

રર મહિલાઓને પ્રથમ સેવાતીર્થના તરસાલી સ્થિત આશ્રમ ખાતે લાવવામાં આવી, જયાં તેમનું કાઉન્સેલીંગ શરૂ કરવામાં આવ્યું. તેમની પાસેથી આ પ્રવૃતિ કરવાના કારણો જાણવામાં આવ્યા. તેમને મહિલા સન્માન અને આત્મગૌરવ સાથે કેવી રીતે જીવી શકાય એ બાબતની સમજ આપવામાં આવી.

સેવા સંસ્થાના પ્રમુખ પરશોત્તમભાઈ પંચાલ અને ડીસીપી લગધીરસિંહ ઝાલા દ્વારા આ મહિલાઓમાં આત્મવિશ્વાસનું સિંચન કરવામાં આવ્યું. સેવાતીર્થ ખાતે આ રર મહિલાઓની તાલીમ શરૂ કરવામાં આવી. તેમને વિવિધ રોજગારલક્ષી તાલીમ આપવામાં આવી.

પખવાડિયાની તાલીમ પૂર્ણ થઈ એ બાદ શહેર પોલીસ દ્વારા અનોખી દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ભાગ લેનાર આ રર મહિલાઓને પોતાનો નવો વ્યવસાય પ્રામાણિકપણે, સાચા માર્ગે કરી અને પોતાના પરિવારનુ ભરણપોષણ કરવા સંકલ્પ કરાવવામાં આવ્યો.

આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ પ્રમાણપત્ર આપવામાં આવ્યું. આ મહિલાઓ પૈકી ૧૧ મહિલાઓને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે તેઓની જરૂરિયાત મુજબ સાધન-સામગ્રી જેમ કે હાથલારી, કેબિન, ઘરઘંટી, અગરબત્તી બનાવવાના સામાનનું વિતરણ કરવામાં આવ્યું

તેમજ અન્ય ૧૧ મહિલાઓ કે જેઓ કોઈપણ મદદ વગર પોતાની રીતે પોતાનો વ્યવસાય કે રોજગારી કરવા માંગતા હોય તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સેવાતીર્થ અને શહેર પોલીસના સહયોગથી આ મહિલાઓને ત્રણ માસ ચાલે એટલું રાશન પણ અપાયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.