ઘરમાં તાપણું કરીને પરિવાર સૂઇ ગયો: ૩ બાળકો સહિત માતાનું મોત
પટણા, બિહારના ગયા જિલ્લાના અત્રી પોલીસ સ્ટેશન વિસ્તારના મોહરા બ્લોકના માલતી ગામમાં એક દર્દનાક ઘટના થઇ હતી. ૨૧ જાન્યુઆરીની સવારે બનેલી આ ઘટનામાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા. મૃતકોમાં નાના બાળકો પણ શામેલ છે.
સગડીમાંથી નીકળતા ઝેરી ધુમાડાને કારણે શ્વાસ રૂંધાવાથી તમામના મોત થયા હતા. ઘરના લોકોએ જણાવ્યું કે, ગુરુવારની રાત્રે માતા તેના ત્રણ બાળકો સાથે એક જ રૂમમાં સૂતી હતી. ઠંડીને કારણે સગડી સળગાવીને રૂમમાં રાખવામાં આવી હતી. આ દરમિયાન રાત્રે બધા સૂઈ ગયા હતા.
આ સાથે જ સગડીમાંથી નીકળતો ઝેરી ધુમાડો બંધ રૂમમાં ફેલાઈ ગયો હતો.સવારે જ્યારે રૂમનો દરવાજાે લાંબા સમય સુધી ન ખૂલ્યો અને લોકોએ ઘરમાંથી ધુમાડો નીકળતો જાેયો તો પાડોશીઓએ ઘરનો દરવાજાે તોડીને રૂમમાં પ્રવેશ કર્યો હતો.
જ્યારે લોકો રૂમમાં પ્રવેશ્યા તો તેમણે જાેયું કે, ત્રણેય બાળકો અને માતા બેભાન અવસ્થામાં પડેલા હતા. જે બાદ સ્થાનિક ડોક્ટર દ્વારા તેમની તપાસ કરીને તમામને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મૃતક વિભા દેવીના પતિ પવન ઠાકુર દિલ્હીમાં રહે છે મૃતકોમાં ૩૫ વર્ષની માતા વિભા દેવી, ૧૦ વર્ષની સિમરન કુમારી, ૮ વર્ષીય આર્યન કુમાર અને ૪ વર્ષની અંકિતા કુમારીનો સમાવેશ થાય છે.
હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે અનુગ્રહ નારાયણ મગધ મેડિકલ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, મૃતક વિભા દેવીના પતિ પવન ઠાકુર દિલ્હીમાં રહે છે અને નોકરી કરે છે અને તેની પત્ની બાળકો સાથે ઘરમાં રહેતી હતી.HS