હોલિવૂડ અભિનેત્રી પામેલા એન્ડરસન એકવાર ફરી છૂટાછેડા લેવા જઈ રહી છે
નવીદિલ્હી, ભારતીય મનોરંજન ઉદ્યોગને છેલ્લા કેટલાક દિવસોમાં અનેક આંચકાઓનો સામનો કરવો પડ્યો છે. ધનુષ-ઐશ્વર્યા અને નાગા-સમંથાનાં છૂટાછેડાથી ચાહકો ખૂબ જ દુઃખી છે. આ સ્ટાર્સનાં છૂટાછેડાનાં સમાચારોમાંથી ચાહકો હજી બહાર નીકળી શક્યા ન હોતા કે અન્ય એક સ્ટાર કપલે અલગ થવાની જાહેરાત કરી દીધી છે.
આ સ્ટાર કપલ ભારતીય એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનું નથી, પરંતુ તે હોલિવૂડ સાથે સંબંધિત છે. ચિંતા કરશો નહીં, અમે પ્રિયંકા અને નિક વિશે વાત નથી કરી રહ્યા, તેમના સંબંધો હજુ પણ વિશ્વાસની જમીન પર મજબૂતીથી ઉભા છે. અમે વાત કરી રહ્યા છીએ હોલિવૂડ અભિનેત્રી પામેલા એન્ડરસનની, જે ૫મી વખત છૂટાછેડા લેવા જઈ રહી છે.
વિદેશી મીડિયાનાં અહેવાલો અનુસાર પામેલા એન્ડરસને તેના પાંચમાં પતિ ડેન વિરુદ્ધ કોર્ટમાં છૂટાછેડાનાં પેપર દાખલ કરવાનો ર્નિણય કર્યો છે. પામેલા અને ડેનનાં લગ્ન એક વર્ષ પહેલાં જ થયાં હતાં અને પરસ્પર મતભેદોને કારણે તેઓ અલગ થવા જઈ રહ્યાં છે. તેમની વચ્ચેના સંબંધો એટલા બગડી ગયા છે કે તેઓ હવે સાથે રહેતા નથી.
અહેવાલો સૂચવે છે કે, પામેલા અને ડેન હવે સાથે નથી. બંનેનાં રસ્તા સાવ અલગ થઈ ગયા છે. બંનેએ ગયા વર્ષે ક્રિસમસનાં દિવસે લગ્ન કર્યા હતા, જેમાં માત્ર થોડા જ લોકોએ હાજરી આપી હતી. થોડા મહિનાઓ સુધી ડેટિંગ કર્યા બાદ પામેલાનું દિલ ડેન પર આવી ગયું અને તેઓએ પાંચમી વખત લગ્ન કરવાનું નક્કી કર્યું.
પામેલાનાં આ લગ્ન માત્ર એક વર્ષ જ ચાલશે એ વાત પર કોઈ માની શકતું ન હોતું. ડેન અભિનેત્રી પામેલા એન્ડરસનનો બોડીગાર્ડ હતો. લાંબો સમય સાથે વિતાવવાને કારણે બંને વચ્ચે નિકટતા વધી અને પછી બંનેએ લગ્ન કરી લીધા. તેમ છતા તેમના લગ્ન આટલા ટૂંકા સમય માટે જ ચાલશે, કોઈએ તેના પર વિશ્વાસ કર્યો નહીં.
જાે કે આ પહેલીવાર નથી જ્યારે પામેલા એન્ડરસન તેના પતિથી ઓછા સમયમાં છૂટાછેડા લઈ રહી હોય. પામેલા એન્ડરસન અત્યાર સુધીમાં પાંચ વખત લગ્ન કરી ચૂકી છે અને તેના એકપણ લગ્ન સફળ થયા નથી. ગયા વર્ષે પામેલાએ ડેનને મળવા અને લગ્ન કરવા વિશે જણાવ્યું હતું. તેણીએ કહ્યું કે ડેન તે વ્યક્તિ છે જેની સાથે તે રહેવા માંગે છે. પરંતુ હવે બંને અલગ થઈ રહ્યા છે.HS